સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાથી વધુ 10 મોત

રાજકોટના સૌથી વધુ 137 સહીત નવા 322 કેસ નોંધાયા: દસાળાના છ જવાનો પણ થયા સંક્રમીત

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.21
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાએ ફરી ફુંફાળો માર્યો છે ત્યારે કોરોનાથી વધુ 10 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટ જીલ્લામાં 6, જામનગરમાં 3 અને ગીર સોમનાથમાં 1 દર્દીનું મોત નિપજયું છે.
કોરોનાથી મૃત્યુદરના વધારા સામે નવા કેસોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. 24 કલાકમાં નવા 322 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સૌથી વધુ રાજકોટમાં 137, જામનગરમાં 41, જુનાગઢમાં 20, ભાવનગરમાં 19, પોરબંદરમાં 3, દ્વારકામાં 5, કચ્છમાં 30, મોરબીમાં 14, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 15, અમરેલીમાં 24 અને સોમનાથમાં 10 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં નોંધાયેલા પોઝીટીવ દર્દીઓમાં દસાળા પોલીસ સ્ટેશનના મહીલા પુરૂષ સહીત છ પોલીસ કર્મચારીઓ પણ સંક્રમીત થયા છે.
જુનાગઢમાં 20 કેસ
જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મફહેતાના જણાવ્યા અનુસાર આજ સાંજ સુધીના 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરમાં 12 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, આ સિવાય જૂનાગઢ ગ્રામ્યના 4, કેશોદના 3, અને વિસાવદરના 1 વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે કોરોના ની સારવાર લઈ રહેલા પૈકી જિલ્લાના 29 દર્દીઓને આજે ડિસચાર્જ કરવામાં આવ્યા હતા.
ભાવનગરમાં 19 નવા કેસ
ભાવનગર જિલ્લામા આજરોજ 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,033 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 10 પુરૂષ અને 4 સ્ત્રી મળી કુલ 14 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના ખડસલીયા ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે 1, સિહોર તાલુકાના રામધરી ગામ ખાતે 1, પાલીતાણા ખાતે 1 તથા વલ્લભીપુર ખાતે 1 કેસ મળી કુલ 5 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 8 તેમજ તાલુકાઓના 10 એમ કુલ 18 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા 5,033 કેસ પૈકી હાલ 47 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,911 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.
દ્વારકામાં નવા પાંચ કેસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ચાર તથા ભાણવડ તાલુકામાં એક મળી કુલ પાંચ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. જિલ્લામાં હાલ 42 એક્ટિવ કેસ છે.
પોરબંદરમાં નવા 3 કેસ
આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા પ્રમાણે છેલ્લા ર4 કલાકમાં પ39 કોરોના ના સેમ્પલ લેવાયા હતા જેમાંથી ઝુંડાળા વિસ્તારમાં આવેલા જીનપ્રેસમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધા, 7પ વર્ષીય વૃધ્ધ અને રાણાવાવ નજીકના ઠોયાણા ગામના 40 વર્ષીય યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. એકપણ દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. અત્યાર સુધીમાં 60007 ટેસ્ટ થયા છે જેમાંથી 824 કુલ પોઝીટીવ કેસ પૈકી 740ને ડીસ્ચાર્જ કરી દેવાયા છે. 84 મૃત્યુ પામ્યા છે અને 36 લોકોમાં કોરોના એકટીવ છે તે પૈકી પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં 14 સારવાર લઇ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ