ભાજપના તમામ કાર્યક્રમો રદ કરવા પાટીલની સૂચના

આત્મારામ પરમાર અને સૌરભ દલાલના કાર્યક્રમોની ઉગ્ર ટીકા બાદ ભાજપ પ્રમુખ જાગ્યા

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.22
ગુજરાતમાં ધારાસભાની પેટા ચુંટણીઓ અને દિપાવલીના તહેવારો બાદ કોરોનાના કેસોમાં અસાધારણ વધારો નોંધાતા રાજયમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. તેવા સમયે ભાજપના નેતાઓ ધારાસભ્યો અને પ્રધાનો વિવિધ કાર્યક્રમોના નામે મેળાવડા યોજી રહ્યા હોવાથી લોકોમાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડતા અંતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાત ભાજપના નેતાઓને બીજી સુચના મળે નહીં ત્યાં સુધી કોઇ કાર્યક્રમો નહીં યોજવા અને અગાઉથી નકક્ી થયેલા કાર્યક્રમો પણ રદ કરવા સુચના આપી છે.
ભાજપ પ્રમુખે જણાવેલ છે કે હાલના કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને ગુજરાત ભાજપના તમામ આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે અત્યારના સંજોગો ધ્યાનમાં રાખી નવી સુચના ન મળે ત્યાં સુધી હાલ ભાજપ તરફથી કોઇ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં અને અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમો પણ રદ કરવા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગઢડાના તાજેતરમાં ચુંટાયેલા ધારાસભ્ય આત્મારામ પરમારે સુરત પંથકમાં પોતાના વતનમાં કોરોનાની ઐસીતૈસી કરી વિજય સરઘસ કાઢયુ હતુ અને સરકારનાં નિયમોને ઉલાળીયો કર્યો હતો.
આ ઉપરાંત આજે બોટાદમાં કેબીનેટમંત્રી સૌરભ દલાલે પણ સ્નેહમીલનનાં કાર્યક્રમમાં હજારો કાર્યકરોને એકઠા કરી સરકારી ગાઇડ લાઇનના ધજાગરા કર્યા હતા.
ભાજપના નેતાઓના આવા બેજવાબદાર વર્તન સામે અંતે ભાજપના પ્રદેશ પ્રમુખે બ્રેક મારી છે.

રિલેટેડ ન્યૂઝ