ઓખામાં ઓઇલ કંપનીના ડીઝલની ચોરી કરી ફિશિંગ બોટમાં ગેરકાયદેસર વેચવાનું કૌભાંડ ઝડપાયું

જિલ્લા એલ.સી.બી. પોલિસે રૂ. 24.40 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા

(પ્રતિનિધિ દ્વારા) જામ ખંભાળિયા, તા.22
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ ખાતે ઓઇલ કંપની દ્વારા સપ્લાય કરાતા ડીઝલને બોટમાંથી કાઢી લઈ અને ગેરકાયદેસર રીતે વેચવાનું કૌભાંડ અહીંની જિલ્લા એલસીબી તથા જિલ્લા પોલીસે પકડી પાડ્યું છે. જેમાં રૂપિયા 2.40 લાખના 3,200 લીટર ડીઝલના જથ્થા ઉપરાંત ત્રણ બોટ મળી કુલ રૂપિયા 24.40 લાખના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ચાર શખ્સોને દબોચી લીધા હતા.
આ સમગ્ર કૌભાંડની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં ઓ.એન.જી.સી. કંપની દ્વારા ઓખા બંદરના દરિયાઇ વિસ્તારમાં થઈ રહેલી કામગીરી ઉપર પેટ્રોલિંગ માટે રાખવામાં આવેલી બોટમાં કંપની તરફથી સપ્લાય કરવામાં આવેલા ડીઝલના જથ્થાને આ બોટમાંથી કાઢી લઈને ગેરકાયદેસર રીતે અન્ય ફિશિંગ બોટમાં વેચવાનું કૌભાંડ ચાલતું હોવાની ચોક્કસ બાતમી એલ.સી.બી. પોલીસ સ્ટાફના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રત્નાભાઇ કોડીયાતર અને ઓમદેવસિંહ જાડેજાને મળતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા તથા એલસીબી પી.આઇ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.આ સ્થળેથી બાતમી મુજબ કેટલાક શખ્સો પાસેથી ઓ.એન.જી.સી. કંપનીના વાહનોમાં ઉપયોગમાં લેવા લેવાતા ડીઝલનો જથ્થો ફિશિંગ બોટવાળાને બીલ કે આધાર વગર આપવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે જુદાજુદા ત્રણ સ્થળોએથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા રૂપિયા બે લાખ ચાલીસ હજારની કિંમતનો 3,200 લિટર ડિઝલનો જથ્થો ઉપરાંત રૂપિયા 22 લાખની કિંમતની ત્રણ બોટ મળી કુલ રૂપિયા 24 લાખ 40 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જેમાં બેટ દ્વારકાના રહીશ રજાક લતીફભાઈ સપ નામના 31 વર્ષીય મુસ્લિમ શખ્સ દ્વારા પોતાની રૂપિયા ચાર લાખની કિંમતની પેસેન્જર બોટમાં રાખવામાં આવેલા રૂપિયા એક લાખ પાંચ હજારની કિંમતનો 1,400 લીટર ડીઝલ ભરેલા સાત નંગ બેરલ મળી આવ્યા હતા. આ ઉપરાંત બેટ દ્વારકાના રહીશ રજાક દાઉદ થૈયમ (ઉ.વ. 42) તથા આ જ વિસ્તારના રહીશ રાહિલ રજાક થૈયમ (ઉ.વ. 22) નામના આ બન્ને શખ્સો દ્વારા તેઓની રૂપિયા દસ લાખની કિંમતની અલહજ નામની ફાઈબર બોટમાં રૂપિયા 60 હજારની કિંમતના 800 લીટર ડીઝલ ભરેલા ચાર નંગ બેરલ રાખ્યા હતા. આટલું જ નહીં, બેટ દ્વારકાના રહીશ આમદ જીકરભાઈ સપ (ઉ.વ. 37) નામના શખ્સે તેની નિગાહે હુસેની નામની રૂપિયા આઠ લાખની કિંમતની ફાઇબર બોટમાં રાખવામાં આવેલું રૂપિયા 75,000 ની કિંમતના પાંચ નંગ બેરલમાં 1000 લિટર ડિઝલનો જથ્થો પણ પોલીસે હાલ કબજે કર્યો છે. આમ, જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ઓખા બંદર વિસ્તારમાંથી ગેરકાયદેસર મનાતા 3,200 લિટરના ડીઝલ ઉપરાંત ત્રણ બોટ મળી કુલ 24.40 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની અટકાયત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ