જામનગરના ક્રિકેટ બંગલામાં મ્યુઝિયમ ની તૈયારી સામે ક્રિકેટરોમાં ભારે રોષની લાગણી

પેવેલિયન પાસે સ્વિમિંગ પૂલ પછી હવે મ્યુઝિયમ ની તૈયારી કરતા 600થી વધુ બાળકોના ક્રિકેટના ભવિષ્ય પર પ્રશ્ર્નાર્થ.

જામનગર તા 9
જામનગર નો ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ માં સ્વિમિંગ પૂલ ઉભો કરાયા પછી હવે મ્યુઝિયમ પણ બનાવવા ની હિલચાલ કરવામાં આવતી હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે, અને જામનગર શહેરના 600થી વધુ બાળકોના ક્રિકેટના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાય તેવી સ્થિતિ છે. જામનગરના ઐતિહાસિક ક્રિકેટ મેદાન પર ક્રિકેટ બંગલામાં જરૂરી ન હોવા છતાં બીજું પેવેલિયન બનાવી લેવાયું છે, ઉપરાંત પેવેલિયન ની બાજુમાં જ એક સ્વિમિંગ પૂલ ખડકી દેવામાં આવ્યો છે. હવે જ્યારે થોડી ઘણી જગ્યા વધે છે તે સ્થળે મ્યુઝિયમ બનાવવાની પણ યોજના હાથ ધરાઈ રહી હોવાનું ધ્યાનમાં આવતા ક્રિકેટની પ્રેક્ટિસ કરતા 600થી વધુ બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. જો આ જગ્યાએ મ્યુઝિયમ બનશે તો મેદાન સિવાય બીજી કોઈ જગ્યા વધશે નહીં, અને તેના કારણે જામનગર ના ઉગતા પ્રતિભાશાળી બાળકો કે જેઓ પ્રતિદિન ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છે, તેઓની કારકિર્દી શરુ થતા પહેલા જ ખતમ થઇ જાય તેવો ઘાટ ઘડાયો છે. જેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઉપરાંત ક્રિકેટ ગ્રાઉન્ડ ની આસપાસ માં અન્ય કોઈ જગ્યા રહેશે નહીં, તો જામનગર ના ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડને રાષ્ટ્રીય કક્ષાની મેચો પરથી પણ હાથ ધોવાનો વારો આવશે. જે જામનગર શહેર માટે ખૂબ જ દુ:ખદાયી રહેશે. રાષ્ટ્રીય કક્ષાની જે મુખ્ય બે ટુર્નામેન્ટ એટલે કે રણજી ટ્રોફી અને દૂલીપ ટ્રોફી રમાય છે, જે જામનગરના જ બંને ખ્યાતનામ ક્રિકેટરો ના નામે રમાય છે. અને જામનગર શહેરમાંથી જ આ ગ્રાઉન્ડ પર રમી ને સલીમ દુરાની, વિનુ માંકડ, અજય જાડેજા, અને રવિન્દ્ર જાડેજા વગેરે એ સમગ્ર દેશ અને વિશ્વભરમાં જામનગર નું નામ રોશન કર્યું છે. તે જામનગરનું અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ કે જેની ઘોર ખોદવા ની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ હોય અને તેમાં મ્યુઝિયમ બનાવવા માટેનું પ્રાથમિક આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ત્યારે ખાનગી કંપની દ્વારા કરાઇ રહેલા સર્વે ની કામગીરી અટકાવી દઇ ક્રિકેટ પેવેલિયનમાં મ્યુઝિયમ બનાવવામાં ન આવે તેવી ક્રિકેટ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ