15 ઓગષ્ટ 22 સુધીમાં તમામને ઘરનું ઘર

.અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે કરી જાહેરાત: 2022 સુધીમાં દેશમાં માનવ રહિત એકપણ રેલવે ક્રોસિંગ પણ નહીં હોય

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા.21
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારના રોજ જણાવ્યું કે, ‘તેઓને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર 15 ઑગસ્ટ, 2022 સુધીમાં દેશના દરેક નાગરિકોને મકાન પૂરા પાડશે. શાહે અમદાવાદના શીલજ ખાતે એક કિલોમીટર લાંબા ઓવરબ્રીજના વર્ચુઅલ ઉદ્ઘાટન દરમિયાન આ વાત કરી હતી.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, જે રીતે અમારી ભાજપ સરકાર દેશના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં આવાસ પરિયોજનાઓ ચલાવી રહી છે. મને વિશ્વાસ છે કે 15 ઑગસ્ટ 2022 સુધીમાં દેશમાં દરેકને રહેવા માટે એક ઘરની સુવિધા મળી જશે. નરેન્દ્ર મોદી સરકારે 10 કરોડથી વધુ પરવડે તેવા આવાસ પૂરા પાડ્યાં છે.
તેઓએ વધુમાં કહ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ 13 કરોડથી વધુ ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતાં. અમારી સરકારે દેશના તમામ ગામડાંઓને વીજળી પૂરી પાડી છે અને હવે અમે 2022 સુધીમાં અમે દરેક મકાનમાં પાણી પણ પૂરું પાડીશું. કનેક્ટિવિટી પૂરી પાડવા તરફ અમે કામ કરી રહ્યાં છે.
શાહે ગુરુવારે અમદાવાદના થલતેજ-શિલજ ક્ષેત્રમાં રેલવે ટ્રેક પર ઓવરબ્રિજનુ વીડિયો કોન્ફ્રેંસના માધ્યમથી ઉદ્ઘાટન કર્યુ. આ દરમિયાન ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓવરબ્રિજ સ્થળ પર ઉપસ્થિત રહ્યાં. શાહે પોતાના સંબોધનમાં કહ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં આશરે એક લાખ રેલવે ક્રોસિંગને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે અને તે અંતર્ગત અમે રાજ્ય સરકારો સાથે 50-50 ટકા ખર્ચ શેર કરતાં આ સ્થળો પર ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાનું કામ કર્યું છે.
શાહે કહ્યું કે, ‘દેશમાં માનવ રહિત રેલવે ક્રોસિંગને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 2022 સુધી દેશમાં એક પણ માનવરહિત રેલવે ક્રોસિંગ નહી હોય. ગાંધીનગર લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરનાર અમિત શાહે પોતાના ચૂંટણી ક્ષેત્રમાં જરૂરી કાર્યો માટે ગુજરાતના ઉપમુખ્યમંત્રીનો આભાર પણ માન્યો.’

રિલેટેડ ન્યૂઝ