ઔદ્યોગિક નિકાસ વધારીને ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જવું છે: મુખ્યમંત્રી રૂપાણી

રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ અને ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીનો સંવાદ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ, તા.21
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને રાજકોટ- ચેમ્બર્સના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો અને વેપારી અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ અને ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઓદ્યોગિક નિકાસમાં ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જવું છે. ગુજરાત સરકાર નિકાસ વધે તે માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નિકાસને વધારવા માટે અનુકૂળ વાતાવરણ અને જરૂરી નીતિઓમાં ફેરફાર કરીને સરકાર વેપારીઓ અને નિકાસકારોને પૂરતી મોકળાશ આપી રહી છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વેપારીઓ મહાજનના જે કાંઈ હકારાત્મક સૂચનો અને રજૂઆતો છે તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને હજુ કોઈ પ્રશ્ન હશે તો સરકારનું મન ખુલ્લું છે. પ્રજાની કોઈ પ્રકારની માગણી ન હોય તો પણ સામે ચાલીને પ્રજાહિતના નિર્ણય લઈને લોકોની મુશ્કેલી દૂર કરી છે. સંવેદના, પારદર્શકતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના આધાર પર અમારી સરકારે પ્રજાહિતના નિર્ણય લીધા છે.
ચેમ્બર ઓફ કોમર્સની દરખાસ્તો ના સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે અપેક્ષાઓથી ડરતા નથી. વાજબી અને જનહિતમાં અપેક્ષાઓ આકાંક્ષાઓ પરિપુર્ણ કરીશુ. રાજકીય કિન્નાખોરીમાં પણ માનતા નથી. અમારો એક જ મંત્ર છે, અને તે છે, ગુજરાતના વિકાસનો, એમ જણાવીને મેઇડ ઇન ગુજરાત થકી મેઇડ ઇન ઇન્ડીયા એમ આગળ વધીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નયા ભારતની સંકલ્પના સાકાર કરવી છે. આત્મ નિર્ભર ભારતમાં ગુજરાતને અગ્રેસર કરવું છે. આ તકે ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ નટુભાઇ પટેલ અને રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝના વધુ વિકાસ માટેના સુચનો દરખાસ્તો રજુ કરી હતી. આ તકે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ અને ગુજરાત તથા ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને મોમેન્ટો આપી સત્કાર્યા હતા. આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયા, અગ્રણી કમલેશભાઈ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા, નૌતમભાઇ બારસીયા, પથિકભાઇ પટવારી, હેમંત શાહ વગેરે ઉપસ્થિત રહયા હતા.

રિલેટેડ ન્યૂઝ