ગુજરાતમાં આજે વિકાસ અને સરકાર એકબીજાનાં પર્યાય : મુખ્યમંત્રી

રાજકોટ : મનપા – રૂડાનાં 432.92 કરોડના વિકાસ કામના ખાતમુહૂર્ત લોકાર્પણ

.

આમ્રપાલી ફાટકે 25.53 કરોડના ખર્ચે બનેલ અન્ડર બ્રીજનું ઉદઘાટન

રાજકોટ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના રૂપિયા 25 કરોડ 53 લાખના ખર્ચે બનેલ અંડરબ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું.
રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલ આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આમ રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે.અંડર બ્રિજની શરૂઆતમાં “લવ રાજકોટ” સેલ્ફી ઝોનનું પણ નિર્માણ થયું છે.રાજકોટ મહાનગર પાલિકાના પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 11 સાયકલ સવારોની સાયકલ સવારીનેઝંડી આપી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવી હતી.


(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ, તા. 21
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ શહેરમાં અંદાજીત રૂપિયા 432.92 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના વિકાસ માટેની પ્રતિબધ્ધતાં વ્યક્ત કરી રાજકોટને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ર04.73 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી,સાથે જ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં પણ 33 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ અવિરત ચાલુ રહયો છે. કોરોનાના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ સ્થગિત થઈ ગયું છે, તેવા સમયે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે તેમના માર્ગદર્શનથી આપણે કોરોનાને અટકાવી શકયા છીએ.
રાજકોટમાં નવી એઇમ્સ, નવી જીઆઇડીસી, જનાના હોસ્પિટલ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, રાજકોટ-અમદાવાદ છ માર્ગીય રસ્તો, તેમજ રાજકોટ-મોરબીના ચાર માર્ગીય રસ્તા સહિતના અનેકવિધ કાર્યોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ સ્માર્ટ સિટી, ઓનલાઇન સેવા, બૃહદ રાજકોટના નિર્માણ જેવા કાર્યો થકી રાજકોટને ભવ્ય-દિવ્ય બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેમ જણાવી રાજકોટ શહેરને દુનિયાના આધુનિક શહેરો સામે ઊભું રહી શકે એવું બનાવવાની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી.
ગુજરાતના લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે “નલ સે જલ યોજના દ્વારા ગુજરાતને પાણીદાર બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. જેમાં અત્યાર સુધીમાં 82 ટકા કામગીરી પૂર્ણ થઇ છે, અને 2022સુધીમાં પ્રત્યેક ઘરને “નલ સે જલ” દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટેનું કાર્ય પૂર્ણ કરાશે.
રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુકત ઉપક્રમે યોજાયેલ ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંદાજે રૂપિયા 432.92 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી આવાસ યોજનાના 416 આવાસોની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે “હેકેથોન-2021 યર ઓફ આઇડિયાસ સ્પર્ધાનો શુભારંભ તથા પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પ્રોજેકટનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેના પ્રતિક રૂપે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ લાભાર્થીને અપાયા હતા.કાર્યક્રમના પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં રાજકોટના વિકાસ કાર્યોનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિદભાઇ પટેલ, લાખાભાઇસાગઠીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, અગ્રણીઓ નિતીન ભારદ્વાજ કમલેશ મીરાણી, અંજલીબેન રૂપાણી, દલસુખભાઇ, ઉદય કાનગડ, ભાનુબેન બાબરીયા, બીનાબેન આચાર્ય, અશ્વિનભાઇ મોલીયા, રાજુભાઇ ધ્રુવ, અજયભાઇ, રૂડાના સી.ઇ.ઓ. ચેતન ગણાત્રા, ડેપ્યુટી કમિશ્નર બી.જે.પ્રજાપતિ સહિતના અધિકારીઓ – પદાધિકારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ