રાજકોટમાં કૌટુંબિક બનેવીએ સાળાને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

બેન-બનેવી સાથે 10 વર્ષથી રહેતા યુવાનને ઘર બહાર કાઢતા થયેલા ઝઘડાનો કરૂણ અંજામ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.21
રાજકોટમાં મોરબી રોડ ઉપર 25 વારીયા કવાર્ટરમાં કૌટુંબીક બહેન બનેવી સાથે રહેતા યુવાનને બેરોજગાર થયા બાદ ઘરમાંથી કાઢવા બાબતે થયેલી બોલાચાલીમાં કૌટુંબીક બનેવીએ સાળાને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
રાજકોટના મોરબી રોડ પર 25 વારીયા ક્વાર્ટરમાં રહેતા ભાવેશ કાળુભાઈ ચણિયારા નામના યુવાનની હત્યા થઇ છે. ભાવેશની હત્યા બીજા કોઇ નહીં પરંતુ તેની કૌટુંબિક બહેન ટપુબેન અને તેના પતિ મહેશે સાથે મળી કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. મહેશે આજે બપોરના સમયે ભાવેશને છરીના ત્રણ ઘા ઝીંક્યા હતા. બાદમાં ભાવેશને ખાનગી હોસ્પિટલ લઇ જવું છું તેમ કહી મહેશે લોહીલૂહાણ હાલતમાં રીક્ષામાં ફેરવ્યો હતો.
બાદમાં સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
પરંતુ ફરજ પરના તબીબે ભાવેશને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને ભાવેશના મૃતદેહને પીએમ રૂમમાં ખસેડી બંને આરોપીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના ઙઈં વી.કે. ગઢવીએ જણાવ્યું હતું કે, બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકના સગા રવિભાઈએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મૃતક ભાવેશ તેમના દૂરના કૌટુંબિક બહેન ટપુબેન અને બનેવી મહેશ સાથે રહેતો હતો. છેલ્લા લાંબા સમયથી બેરોજગાર હતો. આજે બપોરે 2 વાગ્યા આસપાસ ભાવેશ ઘરમાં ગયો હતો. તેની એકાદ કલાક બાદ અચાનક રીક્ષા બોલાવી એક પછી એક હોસ્પિટલ ફેરવવા લાગ્યા હતા. જેને લઈને પોતાને શંકા જતા રીક્ષા સિવિલ હોસ્પિટલે હત્યા થયાનો ભાંડો ફૂટ્યો હતો.
બનેવી મહેશ ઇમિટેશન મજૂરીનું કામ કરે છે. પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોરે એક વાગ્યા આસપાસ બંને સાળો-બનેવી વચ્ચે કોઈ વાતને લઈ બોલાચાલી થઈ હતી. જેના પગલે મહેશે ભાવેશને ઘરમાં પુરીને માર માર્યો હતો. જેમાં ભાવેશને છાતીના ભાગે છરીનો ઊંડો ઘા વાગ્યો હતો. જ્યારે શરીરના અન્ય ભાગમાં છરીથી છરકા થયા હતા. લોહીલૂહાણ હાલતમાં જ ભાવેશને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડી દીધો હતો. મૃતક ભાવેશ 3 ભાઈ અને 3 બહેનમાં પાંચમા નંબરનો હતો. પિતા કાળુભાઈ મજૂરી કામ કરે છે. આ બનાવ અંગે બીડીવીઝન પોલીસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ