રાજકોટના જુના યાર્ડ પાસે અજાણ્યા વાહનની હડફેટે વૃધ્ધાનું મોત

પુત્રીને આજી ડેમ ચોકડીએ મુકી ઘરે જતી વેળાએ બનેલી ઘટના

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.27
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દિનબદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે માર્કેટીંગ યાર્ડ પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં જૂના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા ખીમાબેન ઉકાભાઈ ઝાપડા નામના 60 વર્ષના વૃધ્ધા સાંજના ચારેક વાગ્યાના અરસામાં શાક માર્કેટ પાસે ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધાને ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. પ્રાથમિક પૂછતાછમાં મૃતક વૃધ્ધાને સંતાનમાં બે પૂત્ર અને બે પૂત્રી છે. ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે રહેતી દિકરી માવતરે આવી હતી અને મૃતક ખીમાબેન ઝાપડા દીકરીને મૂકવા આજીડેમ ચોકડી સુધી ગયા હતા અને ત્યાંથી પરત ઘરે ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ