ગોંડલની યુવતિ સાથે ભાગ્યા બાદ પ્રેમી પરત મુકી ગયો

સવારે ભૂલા પડેલા સાંજે પરત ફરે તો ભુલા પડયા નથી કહેવાનું કહેવત સાચી પડી

(પ્રતિનિધિ દ્વારા)
ગોંડલ તા. 27
ગોંડલની યુવતી અને રાજકોટ નો પ્રેમી નવજીવન ની આશા સેવી ઘરેથી ભાગી ગયા હતા સામાન ભેગો લીધો હતો આખો દી’ ફર્યા બાદ યુવક ડરી જતા યુવતીને પરત મૂકી ગયો 181 ની ટીમે યુવતી ને ઘરે છોડી તો પરિવારે પણ બધું ભૂલી અપનાવી લીધી હોવાની ઘટના સામે આવી છે.
પ્રેમીપંખીડાં ભાગી જવાની ઘટના અવારનવાર બને છે પણ ગોંડલમાં સવારે પ્રેમીપંખીડાં ભાગ્યા બાદ સાંજના સમયે પ્રેમી યુવતીને છોડીને ભાગી ગયો હોવાની ઘટના બની છે. ગોંડલમાં રહેતી અને કંપનીમાં જોબ કરતી 35 વર્ષની આશા(નામ બદલાવેલું છે) અને રાજુ(નામ બદલાવ્યું છે) વચ્ચે ઘણા સમયથી પ્રેમ પાંગર્યો હતો. આશા અપરિણીત હતી એટલે તેના મનમાં ઘર વસાવવાનું સ્વપ્ન હતું પણ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી પરિવાર સંબંધ નહિ સ્વીકારે તેવો ભય હતો તેથી આશા અને રાજુએ ભાગી જવાનું નક્કી કર્યું.
આશાએ પોતાની સાથે એક નાની બેગ લઈ જરૂરી સામાન લઈ લીધો અને રાજુ તેને લઈને નીકળી ગયો. બંને આખો દિવસ ફર્યા ત્યાં સાંજે રાજુએ કહ્યું કે, ‘ઘરે ખબર પડી ગઈ છે એટલે મને ડર લાગે છે. આપણે નથી ભાગવું’ આટલું કહીને રાજુ તેને છોડીને જતો રહ્યો હતો. આશા આ શબ્દોના આઘાતમાંથી બહાર આવે ત્યાં રાત્રીના 9.30 વાગી ગયા હતા. બીજો કોઇ રસ્તો ન વધતા તેણે 181માં ફોન કરીને પોતાની આપવીતી જણાવી હતી.
181ની ટીમમાંથી કાઉન્સેલર પ્રિયંકા રાઠવા સહિતનો સ્ટાફ આશા પાસે પહોંચ્યો હતો. તેની એક જ ચિંતા હતી કે હવે પરિવારને પણ ખબર પડી ગઈ હશે એટલે તે એકલી સામનો નહિ કરી શકે. અભયમની ટીમ આશાને લઈને તેના ઘરે ગઈ હતી અને પરિવારજનોને સમજાવ્યા હતા. પરિવાર એક જ શરતે માન્યો અને કહ્યું કે, ‘આ વખતે ભૂલ સ્વીકારી છે એટલે સ્વીકારીએ છીએ બીજી વાર આવી ભૂલ કરી તો સ્વીકારીશું નહિ તું તારી રીતે રસ્તો કરી લેજે’ ટીમે યુવક સામે ફરિયાદ કરવા માટે પણ કહ્યું હતું, જોકે આશાએ ફરિયાદને બદલે હવે પરિવાર કહે ત્યાં લગ્ન કરી ઠરીઠામ થશે તેવી ખાતરી આપી હતી. કાઉન્સેલરના જણાવ્યા અનુસાર આશાના પરિવારમાં એક અપરિણીત મોટો ભાઈ અને માતા-પિતા હતા.

રિલેટેડ ન્યૂઝ