6 મનપાના સિંહાસને કોણ : આજે ફૈંસલો

રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉત્કંઠાની ચરમસીમા: ઓછા મતદારને સહુ પરેશાન: આમ આદમી પાર્ટીનું અન્ડર કરંટ ફૅક્ટર કોને ફળશે, કોને નડશે ?

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 22
ઉત્કંઠા અને ઉત્તેજનાંની ચરમસીમા સમી રાજકોટ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીનાં આજે જાહેર થનારા પરિણામ પર સૌની મીટ મંડાયેલી રહેશે. સવારનાં 9 વાગ્યાથી શરૂ થનારી મતગણતરી ચાલશે સાંજ સુધી પરંતુ બપોરનાં 1 વાગ્યા સુધીમાં લગભગ અણસાર મળી રહેશે કે કયાં મહાનગરપાલિકામાં કોનું શાસન ટકયું કે કોનું ડગ્યું ? જો કે પરંપરાગત ટ્રેન્ડ મુજબ શહેરો – મહાનગરોમાં મુખ્યત્વે ભાજપ તરફી ઝોક રહ્યો હોઇ, તમામ મહાપાલિકામાં ભાજપે કેસરિયા કરશે તેવું માનવામાં આવે છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી નામનો ત્રીજો, સબબ અને આશાસ્પદ વિકલ્પ મળતાં મતદારોએ મન બદલ્યું હોવાનાં પણ અણસાર છે. રાજકોટ ઉપરાંત ભાવનગર, જામનગર તેમજ વડોદરા, સુરત અને અમદાવાદ મહાપાલિકામાં આી અવઢવ વચ્ચે મંગળવારે કોનાં મંગળિયાં ગવાશે અને કોનાં મરસિયા એ ઇવીએમ પેટીઓ ખુલતાં જ ખબર પડશે.
નોંધનીય છે કે રવિારે થયેલા મતદાનમાં મહાનગરપાલિકાઓએ બહુ ઉમળકો દાખવ્યો ન હોતો. ઉપલબ્ધ આંકડા મુજબ અમદાવાદ (42.51 ટકા), સુરત (45.51), વડોદરા (47.99), જામનગર (53.64), ભાવનગર (40.47) અને રાજકોટમાં 50.72 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 6 મહાનગરોમાં 11466864 મતદારો પૈકી સરેરાશ 50 ટકા અર્થાત : 5233382 મતદારોએ જ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. આ સંજોગોમાં આજે જાહેર થનાર પરિણામએ ઉત્કંઠા ચરમસીમાએ પહોંચાડી દીધી છે.
કંઈ લાખ પ્રયાસો કરવા છતાં રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકા માટે થયેલા ઓછા મતદાને તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોની ઊંઘ ઉડાડી દીધી છે. હવે સૌની નજર આજે મતપેટી (ઈવીએમ) ખૂલે તેના પર
મંડાયેલ છે.
આ વખતે ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં પ્રથમવાર એન્ટી ઈન્કબન્સી (સરકાર વિરોધી જૂવાળ) જેવા માહોલ અને આમ આદમી પાર્ટી જેવા અસરદાર વિકલ્પ વચ્ચે યોજાયેલા મતદાને ભારે રહસ્ય સર્જ્યું છે. જો કે ભાજપ કહે છે કે, કુલ મતદાનના 60 ટકા અમારી ફેવરમાં થયું છે, કેમ કે અમારા સંગઠનો કમિટેડ વોટીર્સને મત-બૂથ સુધી લઈ જવામાં સફળ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, પ્રજાએ ઓછું મતદાન કરી શાસક પક્ષ પ્રત્યે નારાજગી દર્શાવી પરિણામે અમારી જીત નિશ્ર્ચિત છે.. આમ ઓછા મતદાને સહુ પરેશાન પણ છે અને આશાવાદી પણ છે.
ગુજરાતમાં હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ને રવિવારે છ મહાનગરપાલિકાઓમાં મતદાન હતું. ગુજરાતમાં કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને તેમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ કોર્પોરેશન માટે રવિવારે લોકોએ મત આપ્યા. આ મતદાનની ટકાવારીએ બધા રાજકીય પક્ષોને સ્તબ્ધ કરી નાંખ્યા છે કેમ કે મતદાનની ટકાવારી માંડ ચાલીસેક ટકાની આસપાસ રહી છે. મતદાનની ટકાવારી ચાલીસેક ટકાની આસપાસ પહોંચી તેનું કારણ પણ ભાવનગર અને જામનગર એ બે શહેરો છે. આ બે શહેરોમાં મતદાનની ટકાવારી ઉંચી છે તેથી સરેરાશ થોડી ઊંચી આવી ગઈ છે. ભાવનગર અને જામનગર બંને ગુજરાતનાં છ શહેરોમાં સૌથી નાનાં છે અને બાકીનાં ચાર મોટાં શહેરોની ટકાવારી તો બહુ ઓછી છે.
ગુજરાતમાં છેલ્લે 2015માં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ મહાનગરપાલિકાઓ માટે મતદાન થયેલું ને એ વખતે પણ મતદાનની ટકાવારી બહુ વખાણવા જેવી નહોતી. એ વખતે પણ આ છ શહેરોમાં માત્ર 48.60 ટકા જેટલું નીચું મતદાન થયું હતું પણ આ વખતે તો તેના કરતાં પણ ઓછું મતદાન થયેલું. એ વખતે મોટાં શહેરો પૈકી સુરતમાં 40 ટકાથી પણ ઓછું એટલે કે 39.64 ટકા મતદાન થયેલું પણ બાકીનાં શહેરોમાં ઠીક ઠીક કહેવાય એટલું મતદાન થયું હતું. અમદાવાદમાં 46.60 ટકા, રાજકોટમાં 49.53 ટકા, વડોદરામાં 50 ટકા, ભાવનગરમાં 47.45 ટકા જ્યારે જામનગરમાં 48 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે આ મોટાં શહેરોમાં સરેરાશ પાંચથી દસ ટકા ઓછું મતદાન થયું છે.

રિલેટેડ ન્યૂઝ