આખરી પૈગામનો વીડિયો બનાવી ‘આઇશા’નો હસતા મૂખે આપઘાત !

અલ્લાહ સે દૂઆ કરતી હું કી દુબારા ઇન્સાનોં કી શકલ ન દિખાયે: એ પ્યારી સી નદી કો પ્રે (પ્રાર્થના) કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ તા,27
‘એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે’ આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી અમદાવાદના વટવામાં એક પરિણીતાએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.
વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે લઈ ગયાં હતાં. વર્ષ 2019માં આઇશાને તેના સાસરિયાં તેને પિયરમાં મૂકી જતાં આઇશા તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનને ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતાં આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુઅલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી.
બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહિ એમ પૂછી ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં આઇશાએ મેં આરીફને ફોન કર્યો હતો, એવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો, શું કહ્યું તેણે એવું પૂછ્યું હતું. આઇશાએ જણાવ્યું, આરીફ મને સાથે લઈ જવા માગતો નથી, હું આપઘાત કરી લઈશ એવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા એમ કહી મને વીડિયો મોકલજે. આમ કહેતાં આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ