જાસૂસ-કાંડ: રાજભવન નજીક કોંગ્રેસી નેતા-કાર્યકરોની અટક

રાજ્યપાલને રજૂઆત કરવા જતાં પોલીસે અટકાવી દીધા

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.23
ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જવા નીકળ્યાં હતાં. કોંગી નેતાઓ પેગાસસ જાસૂસી મુદ્દે રાજ્યપાલને રજૂઆત માટે રવાના થયા હતા. રાજ્યપાલને રજૂઆત માટે માત્ર ગણતરીના નેતાઓને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર રાજભવન ખાતે જવા નીકળેલા કોંગ્રેસના નેતાઓને અટકાવવા ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી અને ભરતસિંહ સહિતના નેતાઓ પણ હાજર રહ્યાં છે. કોંગ્રેસનું કહેવું છે કે, દેશમાં પત્રકાર, નાગરિક અને જજની જાસૂસી કરવામાં આવી રહી છે. દેશમાં જાસૂસીના નામે લોકતંત્રનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
લોકોના અધિકારીઓનું સરકારે ઉલ્લંઘન કર્યું : ચાવડા
અત્રે નોંધનીય છે કે, ફોન ટેપીંગ મામલે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના લોકોને મળેલા બંધારણીય અધિકારોનું સરકારે સરેચોક ઉલ્લંઘન કર્યું છે. જાસૂસી કરવાની ટેવોના કારણે દેશના વિપક્ષના નેતા, વિપક્ષના આગેવાનો, શાસક પક્ષના મંત્રીઓ, જજીસો, પત્રકારો અને ચૂંટણીપંચના અધિકારીની પણ જાસૂસી કરવામાં આવી છે. જાસૂસી પાછળ પ્રજાની કમાણીના કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. આખા દેશના 300 જેટલાં લોકોની જાસૂસી કરવામાં આવી છે. આ ઉપરાંત અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જાસૂસી કરવામાં આવી છે એ લોકો શું આતંકવાદી છે કે દેશદ્રોહી છે? હજુ થોડા લોકોના નામ જ બહાર આવ્યાં છે. સુપ્રીમ કોર્ટના માધ્યમથી જાસૂસી કાંડની તપાસ કરવાની પણ અમિત ચાવડાએ માંગ કરી હતી. આ મામલે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સમક્ષ અમે રજૂઆત કરીશું.

રિલેટેડ ન્યૂઝ