જામનગરમાં વિજ થાંભલો તુટી બાળકની માથે પડતા મુત્યુ

વિજતંત્રની વાવાઝોડાની નબળી કામગીરીનું નબળુ પરિણામ કે શું?

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 24,
જામનગર ના બેડી વિસ્તાર માં આજે બપોરે એક વીજ થાંભલો તૂટી ને ધરાશાયી થતાં ત્યાંથી પસાર થઈ રહેલી એક માસૂમ બાળકી વીજ થાંભલા નીચે દબાઈ હતી, અને તેનું સ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતું. આ પછી પોલીસ તંત્ર અને વીજતંત્ર આ બનાવ પછી સ્થળ પર દોડતું થયું હતું.
જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સબીરભાઈ સોરંગી ની નવ વર્ષ ની પુત્રી સોફિયા આજે બપોરે પોતાના ઘેર થી નીકળીને પગપાળા ચાલીને ઇમામ ચોક માંથી પસાર થઇ રહી હતી, તે દરમિયાન એકાએક વીજ થાંભલો જર્જરિત બની ગયો હોવાથી મૂળમાંથી ઉખડી ને નીચે ધસી પડ્યો હતો. જે માસૂમ બાળકી પર પડવાથી તેણી નું સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું.
આ બનાવની જાણ થતા સ્થાનિક અગ્રણીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને વીજ તંત્ર તેમજ પોલીસ તંત્રને જાણ કરી હતી. પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વીજ તંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું, અને વીજ થાંભલાની મરામતની કામગીરી શરૂ કરી છે. વીજ લાઇન ટ્રીપ થઇ ગઇ હોવાથી અન્ય વીજ અકસ્માત થતાં અટક્યો હતો.
ઉપરોક્ત વિસ્તારમાં અનેક વીજપોલ જર્જરિત થઇ ગયા છે, અને સ્થાનિક લોકોએ આ મામલે વીજતંત્રને અગાઉ રજૂઆત પણ કરી હતી. પરંતુ તે રજૂઆતનો કોઈ નિકાલ આવ્યો ન હોવાથી જર્જરિત વિજપોલ ના કારણે આખરે એક માસૂમ બાળકીનો ભોગ લેવાયો છે.

રિલેટેડ ન્યૂઝ