રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ભાવનગરમાં અંગ્રેજી અને સંસ્કૃતના પાઠ ભણ્યાં હતાં

મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતિ


(પ્રતિનિધિ દ્વારા) ભાવનગર તા.27
દાયકાઓથી મેઘાણીજીના સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે.પાળિયાને બેઠાં કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર -ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીનો ભાવનગર સાથે પણ અતૂટ નાતો રહ્યો છે.
મેઘાણીજી ઇ.સ.1912 થી 1916 દરમિયાન સંસ્કૃત તથા અંગ્રેજીના પાઠ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યાં હતાઅને અહીંથી જ તેઓએ સ્નાતકની પદવી હાંસલ કરી હતી.
ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદી વળી ઐતિહાસિક અને દુર્લભ સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ કાર્ય તેમના દ્વારા પૂર્ણ થયું છે.તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈ ના દિવા, વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરુણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે.
કવિ,લેખક,પત્રકાર,વિવેચક અને લોકસાહિત્યના સંશોધક-સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ તા.28/08/1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો.
વતનનો સાદ સાંભળી કલકત્તા છોડી કાઠિયાવાડ ખાતે સ્થાયી થયા બાદ “સૌરાષ્ટ્ર” અને “ફૂલછાબ” અખબારમાં સૌ પ્રથમ પત્રકાર અને ત્યારબાદ તંત્રી તરીકેની પ્રસંશનીય ફરજ બજાવી પત્રકારત્વ જગતમાં અનોખી ભાત પાડી હતી. તેઓએ નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય, વિવેચન,લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે 88 જેટલાં પુસ્તકોનું લેખન કર્યું, પ્રગટ થયાં અને ખૂબ જ આવકાર પામ્યા હતાં. તા.09/03/1947 ની મધ્યરાત્રિએ બોટાદ ખાતે હૃદયરોગના હુમલાને કારણે તેઓનું દેહાવસાન થયું હતું.

રિલેટેડ ન્યૂઝ