જય માતાજી! નવરાત્રિમાં મળી DJ-પાર્ટીની છૂટ

રાજ્ય સરકારનો સૌથી ધ્યાનાકર્ષક નિર્ણય: નવરાત્રિના ‘મૅગા’ આયોજનની ‘શરતી’ છૂટછાટ મળે તેવા પણ સંકેત

(સંવાદદાતા) ગાંધીનગર તા.8
નવરાત્રિ પહેલાં ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાને બેઠકમાં ગૃહ વિભાગને આ મુદ્દે નોટિફિકેશન કરવાની સૂચના આપી છે.
મહત્વનું છે કે, કોરોનાના કારણે ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની હાલત કફોડી બની ગઇ હતી. પરંતુ હવે સરકારે છૂટ આપતા તેઓ અંદાજે બે વર્ષ બાદ કાર્યક્રમો યોજી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ગયા વર્ષે નવરાત્રિનું કોઈ આયોજન કરાયું ન હોતું. જો કે આ વખતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં હોવાથી આયોજકોને આશા જાગી છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે હજુ નવરાત્રિના આયોજન પર અસમંજસ જેવી સ્થિતિ છે. આયોજકોએ સરકાર નવરાત્રિને લઇ ટૂંક સમયમાં જ કોઇ નિર્ણય લે તેવી માંગ કરી છે. આયોજકોનું કહેવું છે કે, ગરબાનું આયોજન કરવામાં સમય લાગે છે. જેથી સરકાર કોઇ નિર્ણય લે તો તૈયારી શરૂ કરવાનો ખ્યાલ આવે છે. કલાકારોનું કહેવું છે કે ગરબા યોજાય તો તેઓને રોજગારી મળે.

રિલેટેડ ન્યૂઝ