જૂનાગઢમાં રસ્તા પર રઝડતા પશુને પકડવાની કામગીરી શરૂ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.13
અંતે જૂનાગઢ મહાનગરમાં સતત વધતાં જતાં રોડ પર રખડતાં પશુઓનો ત્રાસના વારંવાર અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ અને લોકોમાંથી પણ ઉઠેલી પ્રચંડ માંગ પછી શહેરમાંથી મનપા એ પશુ હટાવવાની કામગીરી શનિવારે આદરી હતી. જો કે, વારે તહેવારે મનપા દ્વારા લોકોને રાજી રાખવા આવી કામગીરી હાથ ધરાય છે ત્યારે આ વખતે શરૂ થયેલી આ કામગીરી અવિરત રહે તેવી માંગ શહેરીજનો માંથી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરના રાજમાર્ગો હોય કે મોટા ચોક હોય, શેરી હોય કે સોસાયટી, અત્ર-તત્ર-સર્વત્ર પશુપાલકો દ્વારા પોતાના પશુઓને દૂધ દોહી લેવાયા બાદ છોડી મુકતા હોવાથી અનેક વખત પશુઓએ લોકોને ઢિકે ચડાવી ઘાયલ કર્યા હોવાની સાથે વાહન અકસ્માતો, દુકાનોમાં તોડફોડ સહિતની ઘટનાઓ અવિરત ઘટે રહી હતી તેની સાથે અડિંગો જમાવેલો પશુઓના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પર વારંવાર સર્જાતી હતી જે અંગે અનેક રજૂઆતો મનપા કચેરીમાં થવા પામી હતી અને અખબારો દ્વારા આ અંગેની નોંધ પણ પ્રસિદ્ધ થવા પામી હતી પરંતુ મનપા દ્વારા આ અંગે કોઈ સંતોષકારક કાર્યવાહી હાથ ધરાય હતી.જેને લઇને મનપાના આંખ મિચામણા સામે લોકોમાં નારાજગી અને રોષ પ્રગટ્યો હતો.
દરમિયાન શનિવારે મનપા દ્વારા રસ્તા પરથી પશુઓને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી જોષીપરા જેવા વિસ્તારમાં પણ આ કામગીરી મનપા દ્વારા હાથ ધરાતા જૂનાગઢવાસીઓ માં થોડી રાહત ફેલાઈ છે સાથોસાથ આવી કામગીરી અવિરત ચાલુ રાખવામાં તેવી પણ જુનાગઢના નવા કમિશનર તન્ના પાસે લોકો દ્વારા અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ