ઉના-ગીરગઢડા પંથકમાં બેથી ત્રણ ઈંચ વરસાદ

ઉના-ગીરગઢડા પંથકમાં બેથી ત્રણ ઈંચ વરસાદ
મચ્છુન્દ્રી ડેમ છલકાયો: રાવલ ડેમના બે દરવાજા ખોલાયા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.13
ઊના ગીરગઢડા પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે. ત્યારે સમગ્ર પંથકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગીરગઢડાના નાના સમઢીયાળામાં 3 ઇંચ વરસાદ ખાબકી જતાં ખેતરો તેમજ રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
જ્યારે ગીરગઢડા દોઢ, ઉના, સનખડા, ગાંગડા, ખત્રીવાડા, ઉંટવાળા, પસવાળા, સૈયદ રાજપરાર, સામતેર, કાણકબરડા, ગરાળ, મોઠા, દેલવાડા, સંજવાપુર, સુલતાનપુર, ખાપટ, વડવીયાળા, સહીતના ગામોમાં 1 થી 2 ઇંચ ભારે પવન સાથે વરસાદ વરસી ગયેલ હતો. અને ઉના તાલુકાના દરીયામાં ભારે કરંટ જોવા મળતા દરીયાના ઉંચા મોજા ઉછળવા લાગ્યા હતા.
ઉના શહેરમાં એક ઇંચથી વધુ વરસાદથી મુખ્ય રસ્તા પર ડાંમર ઉખડી જતાં મોટા મોટા ખાડા પડી ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને હાલકીનો સામનો કરવો પડેલ હતો. ગીરજંગલમાંથી પસાર થતી રાવલ અને મચ્છુન્દ્રી ડેમ ઉપર એક ઇંચથી વધુ વરસાદ પડતા બન્ને ડેમમાં પાણીની આવક થતાં રાવલ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે મચ્છુન્દ્રી ડેમ ઓવર ફ્લો થવામાં માત્ર 0.35 સે.મી. બાકી છે. ત્યારે હાલ વરસાદી માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ