હાલાર પર મેઘો ઓળધોળ : ત્રણ થી 20 ઇંચ હેત વરસ્યું

ભાદરવામાં વિદાય વેળાએ મેઘરાજાએ હેત વરસાવતા જામનગર જીલ્લો તરબતર: નદીઓ ગાંડીતુર : 10 ડેમો છલકાયા : અનેક ગામોમાં પાણી ઘુસી જતાં અનેક લોકોનું સ્થાળાંતર કરાયું : રેલ – બસ સહિતના વાહન વ્યવહારને અસર

જામનગરમાં પાણી ઘુસી જતાં અંતિમ વિધિ ની પ્રક્રિયા માટે સ્મશાન બંધ
જામનગર તા 13
જામનગર શહેર અને જિલ્લામાં ભારે મેઘમહેર પછી ધસમસતો પાણીનો પ્રવાહ જામનગર ના નીચાણવાળા વિસ્તારમાં અને ખાસ કરીને આદર્શ સ્મશાન માં ફરી વળ્યો હતો, જામનગરનું આદર્શ સ્મશાન સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે, અને હાલ પણ પાણી ભરાયેલા હોવાથી સ્મશાનની બંને ભઠ્ઠી બંધ થઈ ગઈ છે. એટલું જ માત્ર નહીં સ્મશાનમાં રાખવામાં આવેલું 3,000 મણ લાકડું પણ પાણીમાં વેડફાયું છે. જેમાં કેટલાક લાકડા તરીને દરિયા માં ચાલ્યા ગયા છે, જ્યારે અમુક લાકડા નો હીસ્સો સ્મશાનના મેદાનમાં તરી રહ્યો છે. જેના કારણે અંતિમ ક્રિયા અટકી ગઈ છે.

તંત્ર દ્વારા જામનગર જિલ્લાના છ
ગામોના 43 લોકોને એરલિફ્ટ કરાયા
જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે, ત્યારે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એરલિફ્ટ ની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી, અને જુદા-જુદા 6 ગામોમાં થી 43 જેટલા નાગરિકો ને બે હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે. ઉપરાંત રેસ્ક્યુ ની કામગીરી ની મદદ માટે એનડીઆરએફની ટીમ તેમજ એસડીઆરએફ ની ટીમને પણ બોલાવવામાં આવી છે.
જામનગર જિલ્લાના કાલાવડ- ધ્રોલ- જામજોધપુર પંથકમાં પડેલા સાંબેલાધાર વરસાદના
કારણે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, ત્યારે કાલાવડ તાલુકાના બાંગા ગામમાં 9 વ્યક્તિ ફસાયા હોવાથી જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એરફોર્સ ના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે, અને લોકોને એરલીફ્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી. જેના ભાગરૂપે બાંગા ગામ માં 9 વ્યક્તિને એરલીફ્ટ કરી ને બચાવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત મોડા ગામ ના ફસાયેલા 14 વ્યક્તિને એરલીફ્ટ કરાયા છે.
ધુડશીયા ગામ માંથી પણ આઠ વ્યક્તિને કરવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે. જ્યારે શેખપાટ ગામ માં બે વ્યક્તિ, કુંનન્ડ ગામમાં બે વ્યક્તિ તથા અલીયા ગામમાં આઠ વ્યક્તિને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એરફોર્સના બે ચોપર હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
આ ઉપરાંત જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી હાથ કરવાના ભાગરૂપે એનડીઆરએફની ટીમ તેમજ એસડીઆરએફ ની ટીમને પણ મદદ માટે બોલાવાઈ છે.

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા. 13,
જામનગર જિલ્લા માં ભાદરવા માસમાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ સાર્વત્રિક અને ધમાકેદાર વરસાદ હાલાર પંથકમાં વરસી જતાં ડઝનેક જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. સારા સમાચાર એ છે કે શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ રાત્રિમાં છલકાઈ ગયો છે. સમગ્ર પંથકના તાલુકા મથકોએ 1 થી 1પ ઈંચ જેટલો અને અમુક ગામડામાં દસેક ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં અનેક ગામડાઓ બેટ બની ગયા હતાં. અલિયાબાડા ગામમાં રપ લોકો પાણીના કારણે છત ઉપર ફસાઈ જતાં ફાયરબ્રિગેડ શાખાની ટીમે રપ લોકોને રેસ્ક્યુ કર્યા હતાં અને સલામત સ્થળે ખસેડ્યા હતાં. ઉપરાંત અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા હોવાથી તંત્ર દોડતું થયું છે. ધોરીમાર્ગો ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર અવરોધાયો છે. આમ મેઘરાજાએ એક જ રાત્રિમાં પાક-પાણીનું ચિત્ર ફેરવી નાંખ્યું છે. જિલ્લામાં તાલુકા મથકમાં સૌથી વધુ કાલાવડ તાલુકામાં 20 ઈંચ વરસાદ થયો છે. તો મોટી બાણુંગાર ગામ માં રર ઈંચ જેટલો વરસાદ ખાબકતા ગામની સ્થિતિ ચિંતાજનક બની છે.કેટલાક ગામ માં એરફોર્સ ના હેલિકોપ્ટરથી ની મદદ થી ફસાયેલ લોકો ને એરલીફ્ટ કરાયા હતા.
હાલારમાં છેલ્લા કેટલાક સમયથી છૂટોછવાયો તો ક્યાંક સારો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ એક પણ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી ન હતી, પરંતુ ગઈકાલે દિવસભર અને રાત્રિના પણ વીજળીના ચમકારા અને પવનની સડસડાટી વચ્ચે ભારે વરસાદ થતા એક જ રાત્રિમાં કુદરતે પાક-પાણીનું ચિત્ર બદલી નાંખ્યું છે.
જામનગર જિલ્લામાં ફ્લડ કંટ્રોલ રૃમના જણાવ્યા મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કાલાવડમાં 494 મી.મી. એટલે કે 20 ઈંચ જેટલો વરસાદ થતા સમગ્ર તાલુકો પાણી વચ્ચે ઘેરાઈ ગયો હતો. કાલાવડ પંથકમાં થયેલા ભારે વરસાદથી અનેક જળાશયો છલકાઈ ગયા છે. એક જ રાત્રિમાં રણજીતસાગર ડેમ છલકાઈ જતાં શહેરનો પાણી પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. આ ઉપરાંત સાંજે 6 વાગ્યા સુધી માં જામજોધપુરમાં 75 મી.મી., જામનગરમાં 132 , મી.મી., જોડિયામાં 180 મી.મી., ધ્રોળમાં 230 મી.મી. અને લાલપુરમાં 58 મી.મી. વરસાદ થયો છે.
આ ઉપરાંત તાલુકા ના ગ્રામ્ય મથકે આજે સવારે નોંધાયેલ છેલ્લા 24 કલાક ના વરસાદના આંકડા જોઈએ તો મોટી બાણુંગારમાં 1ર0 મી.મી., ફલ્લામાં 1પપ મી.મી., જામવણંથલીમાં 190 મી.મી., ધુતારપુરમાં 180, અલિયાબાડામાં 130, હડિયાણામાં 16પ બાલંભામાં 70, પીઠડમાં 11પ, લતીપરમાં 1રપ, જાલિયા દેવાણીમાં 1પ8, લૈયારામાં 110, નિકાવામાં 17પ, ખરેડીમાં 1પ0, મોટા વડાળામાં 1પ0, ભલસાણ બેરાજામાં 8ર, નવાગામમાં 1પ0, મોટા પાંચ દેવડામાં 110, સમાણામાં 14પ, શેડવડાળામાં 90, ધ્રાફામાં 1પ0, પરડવામાં 9ર, પીપરટોડામાં 9પ, પડાણામાં 80, મોડપરમાં 8પ મી.મી. વરસાદ થયો છે.
પુરની સ્થિતીમાં હાથ ધરાયેલી કામગીરી
જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં ફસાયેલા હતા જેમાં કુલ 16 જેટલા લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવેલ છે તેમજ ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલ કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ છે.
ધ્રોલ
ધ્રોલ શહેર તથા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી દશ ઇંચ જેટલો વરસાદ પડેલ છે. ધ્રોલના ઉપરવાસમાં ભારે વરસાદ તે કારણે બાવતીનદીમાં ધોડાપુર આવેલ છે. કાલાવડ વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે ઉંડ – 1 ડેમમાં પાણીનો ફલો વધારે આવતા આ ડેમમાં ના. 17/17 દરવાજા આજ સવારથી જ ખોલી નાંખવામાં આવેલ છે. આ પાણીનો જથ્થો ઉંડ નદીમાં ઠલવાતા હેઠવાસમાં મજોડ ગામ પાસે આવેલ. ઉંડ – 2ના 20 દરવાજા સવારે ખોલવામાં આવેલ ત્યારબાદ 30 દરવાજા ખોલવામાં આવેલ અને હાલમાં પાણીની અવાક વધુ થતો આ ડેમમાં 50 દરવાજા ખોલી નાંખવામાં આવેલ છે. અને હજુ વરસાદ ચાલુ હોવાથી ઉંડ – 2 ડેમની પરિસ્થિતિ વિકટ બની રહેલ હોવાનું જણાવેલ.
અતીભારે વરસાદને કારણે ધ્રોલના હેઠવાસમાં તેમજ નદી કિનારે લોકોને જરૂર પડયે સ્થળાંતર કરવામાં ધ્રોલની સમાજીક સંસ્થાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ડેમો ઓવરફલો
સૌરાષ્ટ્રભરમાં બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે પડધરી – રાજકોટ વિસ્તારમાં ચાલુ છે વરસાદને કારણે આજી 1-2-3 ડેમો ઓવરફલો થતાં તેના દરવાજા ખોલી નાંખવામાં આવતા. હેઠવાસમાં આવેલ આજી નદીમાં પુર આવેલ છે. અને આ પાણીના પુરને કારણે ધ્રોલ – ટંકારા – હાઇવે રોડ પર લતીપર ખાખરા પાસે આવેલ આજી નદીના પુલ ઉપરથી પાણીનો પ્રવાહ વહી રહેલ છે. તેને કારણે આ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ.
ફલ્લામાં સાડા ચાર ઇંચ
ફલ્લામાં ગઇકાલે સવારથી જ મેઘરાજાનું અગમન થતાં દિવસ દરમ્યાન મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ગઇ મોડી રા બે મેઘરાજાનું જોરદાર આગમન થતાં રાત્રે માત્ર બે કલાકમાં જ છ ઇંચ વરસદા થયો હતો. અહીં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ થતાં આજે વહેલી સવારે ડેમનાં તમામ દસેય દરવાજા છ ફુટથી ખોલવામાં આવ્યા હતા. નદી – નાળા તથા ચેક ડેમો છલકાયા છે. ફલ્લા તથા નજીકનાં ગામો અને નજીકનાં જામવાણાથી પંથકમાં ભારે વરસાદ થતાં ખેડૂતો તથા આમ જનતામાં આનંદ જોવા મળે છે.
ડેમો છલકાયાં : લોકો ફસાયા
જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે દસેક ડેમો છલકાઈ ગયા છે, તો અમુક છલકાવવાની તૈયારીમાં છે. શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ રાત્રિમાં છલકાઈ ગયો છે. ઉપરાંત ઊંડ-1, વિજરખી, ફૂલઝર-1, કંકાવટી, આજી-3, સપડા, વોડીસાંગ, ઉમિયા સાગર, રૃપારેલ છલકાઈ ગયા છે. ઉપરાંત અનેક જળાશયો માં અઢળક નવા નીર ની આવક થવા પામી છે.
ભારે વરસાદના કારણે અલિયાબાડા ગામમાં રપ લોકો છત ઉપર ફસાઈ જતાં ફાયરબ્રિગેડ સ્ટાફે તેમને રેસ્ક્યુ કર્યા હતું. આલિયા ગામ માં 43 ગાય ભેંસ અને બકાર તણાયા હતા. મોટી બાણુંગાર, અલિયાબાડા, ખીમરાણા, ધુંવાવ, વાવડી, વિગેરે ગામો બેટમાં ફેરવાઈ ગયા હતાં. જામનગર જિલ્લા ના ધુડશીયા , બાંગા , સહિત ના ગામ માં પાણી માં ફસાયેલા લોકો ને હેલિકોપ્ટરથી ની મદદ થી બચાવાયા હતા. જામનગર શહેર ના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ ધુંવાવના બેઠા પુલ ઉપર પાણી ફરી વળ્યા હતાં, તો હાઈ-વે ઉપર વાહનવ્યવહાર બંધ થવા પામ્યો હતો. તેવી જ રીતે જામનગર થી પસાર થતી ટ્રેનના રૃટ પણ બદલાયા છે.

રિલેટેડ ન્યૂઝ