નેશનલ હાઇવે ઓથોરીટીની બેદરકારીથી પોરબંદર જીલ્લાના અનેક ખેતરો પાણીમાં ડૂબી ગયા

દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે પર પાણીના વહેણ પસાર કરવા માટેના નાળા નહી બનાવાતા ખેતરો પાણીમાં ડૂબ્યા : તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઓથોરીટીને થઇ ઉગ્ર રજુઆત

(પ્રતિનિધિ દ્વારા)
પોરબંદર તા.16
દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવેના કામમાં અનેક જગ્યાએ ક્ષતિઓ રહી ગઇ છે. તેનો ભોગ સમાન્ય માણસોને બનવું પડે છે. ત્યારે માધવપુરથી મિયાણા સુધીના હાઇવે પર ઓથોરીટીની બેદરકારીના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નહી હોવાથી પાણી ખેતરોમાં ઘુસી ગયા છે. જેના કારણે ચાર હજાર એકર જમીનને મોટુ નુકસાન થયું છે. તેમ જણાવીને તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ રાજુભાઇ ભીમાભાઇ ઓડેદરાએ નેશનલ હાઇવે ઓથોરીટીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવેની ડિઝાઇનમાં ગંભીર ક્ષતિઓ રહી ગઇ છે. નેશનલ હાઇવે ટચ ખેડૂતોના ખેતરોની જમીનની કપાત થઇ હતી તેવા અનેક ખેડૂતો ખેતર પાસે વરસાદી પાણીના નિકાલ માટેના નાળા બનાવાયા નથી. જેથી તંત્રની બેદરકારીને લીધે માધવપુરથી મીયાણી સુધી અંદાજે ચાર હજાર એકર જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જેના લીધે ખેડૂતોનો મહામૂલો પાક પાણીમાં ડૂબી ગયો છે.
કોંગ્રેસે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, હાઇવે ઓથોરીટીએ ડિઝાઇન વિચિત્ર તૈયાર કરી છે. જેથી પાણીના વહેણ પસાર કરવા માટે નાળા બનાવવા જોઇએ જયાં રસ્તા બંધ કરી દેવાયા છે. જેના કારણે આ પાણીનો નિકાલ થઇ શકતો નથી તેથી ખેતરોની અંદર વરસાદના પાણી ભરાઇ ગયા હોવાને કારણે પાક પાણીમાં ડુબી ગયો છે. તે ઉપરાંત જમીનનું પણ મોટાપાયે ધોવાણ થઇ રહ્યું છે. ખેડૂતોએ પાક બચાવવા માટે દીવાલ બનાવી છે. પરંતુ એ દિવાલની નિચેથી પાણી જમીનમાં ઘૂસી જાય છે. અને જમીનનું ધોવાણ કરી નાખે છે.
ખેડૂતોને ખુબ મોટા પ્રમાણમાં જમીનમાં નુકસાન થયું છે. વરસાદી પાણીનો નિકાલ થતો નહી હોવાથી એ પાણી મગફળી સહીત જુવાર અને અન્ય પાક ઉપર ફરી વળ્યા છે. જેથી પાક પાણીમાં ડૂબી ગયો છે. અને મોંઘા બિયારણ સહીત મોટો ખર્ચ કર્યો હોવા છતાં ધરતીપુત્રને તેની કોઇ ખાસ ઉપજ થાય તેવું જણાતું નથી આ વર્ષે ખેડૂતોને પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તેની પાછળ પૂરેપુરી જવાબદારી એકમાત્ર નેશનલ હાઇવે ઓથોરીટીની છે તેમ જણાવીને સરકાર દ્વારા તાત્કાલીક નુકસાનીનો સર્વે કરાવીને ખેડૂતોને મદદરૂપ બનવા પોરબંદર તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ રાજુભાઇ ભીમાભાઇ ઓડેદરા દ્વારા હાકલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ