પરમાત્માની કૃપા વગર મનુષ્યને ભક્તિ મળતી નથી.ઈશ્વર કૃપા થકી જ મનુષ્ય ભુક્તિ અને મુક્તિ મેળવી શકે છે.જ્યારે મનુષ્યનું મન પરમાત્મા શિવમાં લીન થાય છે ત્યારે તેણે આ લોક,ભૂત અને ભવિષ્યના કલ્યાણ માટે ઉત્તમ એવા ’ૐ નમ: શિવાય’ એ મહામંત્રનો જપ કરવાનું વિધાન છે.આ મંત્રથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
શિવ મહાપુરણમાં આ પરમ ઉપકારી એવા મહામંત્રનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.વાયુસંહિતાના ઉત્તર ભાગમાં આ મહામંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે.ખુદ ભગવાન શ્રીકૃષ્ણ એ શિવ પંચાક્ષર મંત્રનું વિસ્તારથી વર્ણન કરેલું છે.ભગવાન શ્રીકૃષ્ણ ઉપમન્યુને આ મંત્રનું મહત્વ સમજાવતા કહે છે,’ આ મંત્ર છ અક્ષરનો બનેલો છે અને લોકમાં તે પંચાક્ષર નામથી પ્રચલિત છે.મંત્રના જાપ વખતે આગળના ભાગમાં ૐકારનું ઉચ્ચારણ થાય છે.ભગવાન શિવે કહેલો હોવાથી તે મહવાક્ય ગણાયો છે.આ મંત્ર એક દેવતાઈ સિદ્ધિરૂપ છે.આ મંત્ર મહા ગુહ્ય છે.વડના બીજમાં જેમ સમગ્ર વડ સમાયેલો છે તેમ આ મહામંત્રમાં સમગ્ર જગત સમાઈને રહેલું છે.આ મંત્રમાં સત્વ,રજ અને તમથી રહિત ભગવાન શંકર બિરાજમાન છે.ઈશાન,તત્પુરુષ,અઘોર અને એકાક્ષરરૂપ અન્ય મંત્રો પણ આ મંત્રમાં સમાઈને રહ્યા છે.’
ભગવાન શિવે માતા પાર્વતી સમક્ષ આ મહામંત્રનો મહિમા વર્ણવ્યો છે.કળીયુગમાં ધર્મનો લોપ થવાથી પ્રજા વર્ણસંકર થવા લાગી છે,તેમની મુક્તિ માટેનો ઉપાય શુ ? માતા પાર્વતીએ ભગવાન શિવને આ પ્રકારે પ્રશ્ન કરતા ભગવાન શિવે પંચાક્ષર મંત્રનો ઉલ્લેખ કરી પાર્વતીજીને કહ્યું,’ મહા પાપી હોય,નિર્દય અને કૃતઘ્ન હોય અને નિરંતર અન્યનું ખરાબ કરતો હોય તો પણ તે મનુષ્ય પંચાક્ષરની વિદ્યાને જાણે છે તો તેના સઘળા પાપોનો ક્ષણ માત્રામાં નાશ થઈ જાય છે,કળીયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કરનાર આ મહામંત્રને વિધિપૂર્વક ગુરુ પાસેથી ગ્રહણ કરી નિરંતર તેનો જપ કરનાર મનુષ્યનો અવશ્ય ઉદ્ધાર થાય છે. પાપીઓમાં પાપી અને ચાંડાલ હોય તો પણ આ પંચાક્ષરનું સ્મરણ કરે તો તેનો ઉદ્ધાર થાય છે. ચાલતા,બેસતા, ઉઠતા,પવિત્ર અથવા અપવિત્ર કોઈ પણ આ મંત્રનું સ્મરણ કરે તો તેનો અવશ્ય ઉદ્ધાર થાય છે.આ મંત્રના જાપમાં તિથિ,વાર કે નક્ષત્રનો બાધ નથી,કેમ કે આ મંત્ર સ્વત:સિદ્ધ છે.ગુરુ પાસેથી મેળવેલો મંત્ર સિદ્ધ ગણાય છે.’
ૐ નમ: શિવાય