શિવ મહિમા કિરણ ગોહિલ
ભગવાન શિવ નિરંજન અને નિરાકાર છે.આ જગતના નિયંતા છે.સર્વવ્યાપક છે.જગતનું સર્જન,પાલન અને વિસર્જન કરનાર પરમ પિતા ઇશ્વર સ્વરૂપ છે.શિવ તત્વનો ભેદ દેવતાઓ પણ પામી શક્યા નથી.આ સમગ્ર બ્રહ્માંડ શિવમય છે.પ્રકૃતિ ( માયા ),નારાયણ,બ્રહ્મા સઘળું ઈશ્વરના પરમ તેજથી જ ઉત્પન્ન થયું છે.
આ વિશ્વ જ્યારે ન હતું ત્યારે માત્ર બ્રહ્મરૂપ તેજ સર્વ વ્યાપક હતું.પરમાત્માની ઈચ્છા ઉત્પન્ન થઇ,જે મૂળ કારણ તથા પ્રકૃતિ કહેવાઈ. જે બ્રહ્મથી દેવી એવી પ્રકૃતિ ઉત્પન્ન થઇ તે બ્રહ્મથી પુરુષ પણ થયો.આ પ્રકૃતિ અને પુરુષ તપ થકી નારાયણ અને નારાયણી થયા.પ્રકૃતિ થકી મહત્તત્ત્વ સહિતના ચોવીસ તત્વો થયા,જડ એવા આ પ્રકૃતિના તત્વો પુરુષ સાથે મળી ગયા.પુરુષરૂપ નારાયણના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે.
બ્રહ્મા અને વિષ્ણુ એવા નારાયણ વચ્ચે મોટાઈ માટે યુદ્ધ થયું.બ્રહ્મા અને નારાયણનો વિવાદ શમન કરવા માટે યુદ્ધ સ્થળે બંનેની વચ્ચે સેંકડો જ્વાળાઓની માળાથી ઢંકાયેલું,પ્રલય સમયના અગ્નિ સમાન,ક્ષય તથા વૃદ્ધિ રહિત,આદિ મધ્યાહ્ન વર્જિત,વિશ્વની જેનાથી ઉત્પત્તિ છે તેવું અદભુત જ્યોતિર્લિંગ ઉત્પન્ન થયું.જ્યોતિર્લિંગ પ્રગટ થતાં બ્રહ્મા અને વિષ્ણુએ યુદ્ધનો વિરામ કરી આ જ્યોતિર્લિંગનો તાગ મેળવવાનું નક્કી કર્યું.બ્રહ્મા હંસનું રુપ લઈને લિંગની ઉપર તરફ ગયા,જ્યારે વિષ્ણુ શ્વેત વરાહનું સ્વરૂપ ધરીને નીચેની તરફ ગયા.આ સમયકાળ શ્વેતવારાહ કલ્પ તરીકે ઓળખાયો છે.
ભગવાન બ્રહ્મા અને વિષ્ણુના અથાક પ્રયત્ન છતાં આ દિવ્ય જ્યોતિર્લિંગનો અગ્ર અને અંત ભાગ જોવામાં ન આવતા બન્ને પરત ફર્યા,આ સમયે ભગવાન શિવની માયાથી મોહિત એવા બન્ને દેવ આ શું છે ? એ પ્રકારે ચિંતન કરવા લાગ્યા,નમસ્કાર કરીને સેંકડો વર્ષ સુધી પ્રાર્થના કર્યા બાદ આ લિંગમાં આનંદમય એવું શબ્દાત્મકયુક્ત લક્ષણ ૐકારરૂપ સ્પષ્ટ રીતે પ્રગટ થયું.ૐકાર સ્વરૂપને પ્રગટ થયેલું જોઈને શ્રીહરિ અને બ્રહ્મા અત્યંત વિસ્મય પામ્યા.એજ ક્ષણે બીજું પાંચ મુખ અને દસ ભુજાવાળું ગૌરવર્ણ અદભુત સ્વરૂપ ઉત્પન્ન થયું.નિર્માણ કરનાર એવા તે પરમ સ્વરૂપને જોઈને આ દેવના નિયંતા છે તેમ જાણી બન્ને દેવોએ મહેશ્વરની સ્તુતિ કરી કરી ધન્ય થયા અને પરમપિતા પાસે કૃપા અને કાર્યની માંગણી કરી.ભગવાન મહાદેવે વિષ્ણુને જગતનું પાલન કરવા આજ્ઞા કરી અને શિવતત્વનો સાર કહ્યો.
બ્રહ્મા અને શ્રી હરીનો મોટાઈ માટેનો ટકરાવ અટકાવવા માટે પરમપિતા મહેશ્વર સ્વયં જ્યોતિર્લિંગ, ૐકાર અને પાંચમુખવાળા પ્રગટ થયા અને આ શ્રુષ્ટિના પાલનકર્તા અને વાહક માટે સામર્થ્યરૂપ પાંચ મહા મંત્ર આપ્યા,જેના પ્રભાવથી જ ભગવાન શ્રીહરિ આ સમગ્ર જગતનું પાલન કરે છે.
ૐ નમ: શિવાય…