અમરેલીમાં કોરોનાની લેબ શરૂ ન થાય તો કાલથી આંદોલન

(પ્રતિનિધિ દ્વારા)
અમરેલી: તા.10
અમરેલી જિલ્લામાં કોરોનાં પોઝીટીવ કેસનો વધારો થઈ રહેલ છે. જેમાં સુરત, અમદાવાદ અને મુંબઈનાં લોકોનાં આગમનથી જિલ્લો હોટસ્પોટ તરફ પ્રયાણ કરી રહેલ છે આવી વિકટ પરિસ્થિતિમાં અનેક સંસ્થાઓ, રાજકીય આગેવાનો દ્વારા અમરેલીમાં કોરોનાં લેબ ચાલુ કરવાં સરકારમાં રજુઆત કરવા છતાં પણ લેબ શરૂ કરવામાં ન આવતાં વિરોધ પક્ષનાં નેતા અને અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા રવિવારથી આંદોલન કરવાની ચિમકી આપેલ હતી. સરકારની નિતિ સામે ભારે આક્રોશ ઠાલવેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લો કોરોનાં વાયરસમાં હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહેલ છે. ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-લેબ ચાલુ કરવાં ભાજપ-કોંગ્રેસનાં આગેવાનો તેમજ સામાજીક સંસ્થા દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવેલ હતી. વારંવારની રજુઆત બાદ પણ સરકારે કોરોના પોઝીટીવ દર્દીઓનાં હિતમાં લેબ ચાલુ કરવાં નિર્ણય કરવામાં આવેલ નથી. હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં દરરોજ શંકા, સ્પદ અનેક દર્દીઓ આવી રહેલ છે. આવા દર્દીઓના સેમ્પલ ભવાનગર ખાતે લેબ પરીક્ષણ માટે મોકલવામાં આપે છે. તેનો રીપોર્ટ 48 કલાકે આવી રહેલ છે. દર્દીની ગંભીર હાલતમાં આ 24 થી 48 કલાક ખૂબજ મહત્વનાં હોય છે. આવી ગંભીર પરિસ્થિતિમાં અમરેલીમાં કોરોનાં લેબ ચાલુ કરવી મહત્વની બનેલ છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા આ અંગે સરકારમાં રજુઆત કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-લેબ કાર્યરત કરવામાં નહીં આવો તો આગામી રવિવારથી સરકાર સામે સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પ્રતિક ધરણ કરવાની ચિમકી આપેલ હતી.

રિલેટેડ ન્યૂઝ