ગ્રીન ગુજરાત કલીન ગુજરાતનાં સૂત્ર સાથે….
વૃક્ષોના વાવેતર અને ઉછેરથી પર્યાવરણનું સંરક્ષણ કરી : વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે 23 માં સાંસ્કૃતિક વન ’હરસિદ્ધિ વન’નું નિર્માણ થનાર છે. જેનું આજરોજ પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી પર્યાવરણ જતનની ભાવના જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાંસ્કૃતિક વનોનું નિર્માણની શરૂઆત વર્ષ 2004 થી કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધી 22 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયેલું છે. ગાંધવી ખાતે 23મું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન નિર્માણ પામશે જે એક રમણીય પ્રવાસન સ્થળ બનશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વનના નિર્માણ પાછળનો હેતુ લોકોને ધાર્મિક અને ઔષધીય વૃક્ષોથી વધુ ને વધુ માહિતગાર કરવા, જળવાયુ પરિવર્તનમાં સકારાત્મક ભૂમિકા નિભાવવી, વૃક્ષ આચ્છાદન હેઠળનો વિસ્તાર વધારવામાં લોકોની સક્રિય ભાગીદારી વધારવાનો છે. આપણા ધાર્મિક, પ્રાચીન અને પર્યટન સ્થળોએ સાંસ્કૃતિક વનના નિર્માણથી આપણા પ્રાચીન તથા સાંસ્કૃતિક સ્થળોથી લોકો માહિતગાર થાય તથા આવા સ્થળોનો પણ સાથે સાથે વિકાસ થાય છે. લોકોપયોગી ઉજાણી (પીકનીક)ના સ્થળો વધે છે તથા તે વિસ્તારના લોકો માટે રોજગારીની તકો વધશે.
મંત્રીએ વધુ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જાપાનની મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઊભા કરવાનો સંકલ્પ લીધો છે. આ પદ્ધતિ દ્વારા શહેરી વિસ્તારોમાં પણ ઓછી જગ્યામાં ખૂબ ઝડપથી વન કવચ ઊભું થઈ શકે છે. રાજ્ય સરકારના ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ના સુત્ર સાથે ગુજરાતને હરીયાળું બનાવવા દરેક નાગરીકે પણ વૃક્ષારોપણ તથા તેના જતન માટે પ્રતિબદ્ધતા દાખવવી પડશે વૃક્ષોના વાવેતર તથા તેના ઉછેર થકી પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પ લઇએ.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ એસ.કે. ચતુર્વેદી તેમજ સામાજિક વનીકરણના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. એ.પી. સિંઘ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક અરૂણકુમાર દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરૂણકુમાર સરવૈયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ ભૂમિપૂજન કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વર્તુળ, રાજકોટના વન સંરક્ષક આર. સેન્થીલકુમારન, દ્વારકાના પ્રાંત અધિકારી ભગોરા, ડી.સી.એફ. પ્રશાંત તોમર, જિલ્લા પંચાયતના સદસ્ય જગાભાઈ ચાવડા, નથુભાઈ ચાવડા, જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના ચેરમેન પી.એસ. જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ સુમાતભાઈ ચાવડા, અગ્રણી દ્વારકાદાસ રાયચુરા, યુવરાજસિંહ વાઢેર, દેવાતભાઈ ગોજીયા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર વિગેરે સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, બની રહેશે આ વનના આકર્ષણ
હરસિઘ્ઘિ માતાજી મંદીર ખાતે ગુજરાત સરકારના વન વિભાગ દવારા ચાલુ વર્ષે 23 માં સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં સાંસ્કૃતિક આકર્ષણો જેવા કે મુખ્ય દવાર, પ્રવેશ 5રિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, સૌરાષ્ટ્રની સુગંધ, શ્રી કૃષ્ણ ઉ5વન, શ્રી કૃષ્ણકમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરવામાં આવશે.આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, 5વિત્ર ઉ5વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વિગેરે જેવા વનનું નિમાર્ણ કરવામાં આવશે.આ સાંસ્કૃતિક વનમાં બાળવાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઇન્ટ, પાર્કીગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણીની સુવિધા, રોપ વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉભી કરવામાં આવશે.