ખંભાળીયામાં બંધ મકાનમાંથી દોઢ લાખના મુદામાલની ચોરી

જામખંભાળીયા, તા.22
ખંભાળીયાની ખામનાથ મહાદેવ મંદિર નજીકની શિવમ સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ દાદભા ઝાલા નામના 36 વર્ષના ગરાશીયા યુવાન તેમના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય, તેઓ પરિવારજનો સાથે ગત તા.18મીથી ગઇ તા.21મી સુધી બહારગામ ગયા હતા.
આ સમયગાળામાં તસ્કરોએ તેમના ઘરમાં ખાતર પાડી મકાનના દરવાજાનું લોક ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો, આ મકાનના કબાટમાં રાખવામાં આવેલા સોનાનો પેન્ડલ સાથેનો ચેઇન, સોનાની વીંટી, મંગળ સુત્ર, પેન્ડલ, ઘુઘરી, ચુડલા તથા ચાંદીના દાગીના ચોરી કરીને લઇ ગયા હતા.
આમ, તસ્કરો કુલ રુા. 1,35,000ની કિંમતના સોનાના દાગીના તથા રુા. આઠ હજાર રોકડા મળી, કુલ રુા. 1.43 લાખના મુદામાલની ચોરી કરીને લઇ ગયાની ફરિયાદ અત્રે પોલીસમાં નોંધાવવામાં આવી છે.
ટ્રકની ઠોકરે યુવાનનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામની સીમમાં રહેતા પબુભા કરશનભા નામના 35 વર્ષના વાઘેર યુવાન તેમના ટ્રકની પાઠળના ભાગે તાલપત્રીની ઘળી વાળતો હતો ત્યારે ટાટા કંપનીના કાંકરી ગેઇટ નજીક પુર ઝડપે અને બેફીકરાઇથી જઇ રહેલા જીજે-25-યુ-5050ના ટ્રક ચાલકે તેને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા પબુભાનું કરુણ મોત નિપજ્યું હતું.
કલ્યાણપુર તાલુકાના રાણ ગામેથી પસાર થતી નંબર વગરની અલ્ટો કારમાંથી પોલીસને 19 બોટલ વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રાણ ગામના રણમલ મુરુ વલાણી તથા રાજુ પબા વારસાખીયા મળી કુલ રુા. 60,600નો મુદામાલ સાથે ધરપકડ કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

રિલેટેડ ન્યૂઝ