ભાણવડનો વિકાસ રોડ દોઢ વર્ષમાં હતો, ન હતો થયો

ભાણવડ તા.13
ભાણવડમાં આજથી દોઢ વર્ષ પૂર્વે નગરપાલિકાની દેખરેખ હેઠળ વિકાસ રોડને ડામરથી મઢવામાં આવેલ પરંતુ જેમ અગાઉના રોડમાં બનતું આવેલ છે તેમ આ રોડમાં પણ લોટ પાણીને લાકડા જેવું કામ એજન્સી દ્વારા કરવામાં આવેલ હોઈ ગેરેન્ટી પીરીયડમાં જ ઘુળઘાણી થઈ જતાં આ રોડ પરના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને આજે ચીફ ઓફિસરને રજુઆત કરીને તાત્કાલિક ઘટતું કરવા માંગ કરેલ અને રજુઆતની નકલ ઉચ્ચ સ્તરે રવાના કરવામાં આવેલ છે.
વિકાસ રોડને સીસી રોડ બનાવવા માટે કોન્ટ્રાકટ આપ્યા બાદ રોડ બનાવવામાં ખાસ્સો સમય બરબાદ થયા બાદ પાલિકા સતાધિશો અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી આશ્ર્ચર્યજનક રીતે ડામર રોડ બનાવવાનું નકકી કરી કામ શરૂ કરવામાં આવેલ પરંતુ એકદમ મંથર ગતિએ અને વારંવાર પેટા કોન્ટ્રાકરો બદલતા રહેતા કેમેય કરીને કામ પૂર્ણ થઈ રહ્યું ન હતું આખરે આ રોડ પરના વેપારીઓએ કંટાળીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા રોડનું કામ પૂર્ણ થયું હતું. આમ રોડ મંજુર થયો ત્યારથી લઈને પૂર્ણ થયો ત્યાં સુધીનો જેટલો સમય લાગ્યો એટલો સમય તો આ રોડ ટકયો પણ નહીં…! અને દોઢ વર્ષમાં તો રોડના ચીથરે હાલ થઈ ગયા છે.
આજે વેપારીઓએ કરેલી રજુઆતમાં આ રોડ સતત વાહનોની અવરજવર અને ટ્રાફિકથી ધમ ધમતો હોઈ ધુળની ડમરીઓ ઉડે છે અને દુકાનદારો માટે પોતાના ધંધા રોજગાર પર બેસવું મુશ્કેલ થઈ પડયું છે. ધુળની ડમરીઓને કારણે શ્ર્વાસની બિમારીઓ તેમજ પથરીની બિમારીઓ લાગુ પડી રહી છે અને આ વિસ્તારના વેપારીઓના સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યા હોઈ તાત્કાલીક ઘટતું કરવા માંગ કરેલ છે. રોડના કામમાં વેઠ ઉતાર નાર કોન્ટ્રાકટર એજન્સી સામે કડક કાર્યવાહી કરવા અને આ રોડને નવેસરથી સીસી રોડ બનાવવામાં આવે એ મુજબની માંગ કરેલ છે.
વેપારી એસો. દ્વારા આ રજુઆતની નકલ ઉચ્ચ સ્તરે પણ રવાના કરવામાં આવેલ છે અને આ પ્રશ્ર્ને તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહી આવે તો ફરીથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારેલ છે.

રિલેટેડ ન્યૂઝ