જૂનાગઢનાં લેઉવા પટેલ સમાજનાં કર્મચારીઓએ સમાજસેવા માટે કર્યુ મંથન

જૂનાગઢ તા.13
જૂનાગઢ જિલ્લામાં વિવીધ કચેરીઓ, સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને ઉદ્યોગગૃહોમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા સંગઠીત શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ કાર્યરત છે. આ મંડળ દ્વારા ભવનાથ ખાતે પ્રકૃતિધામનાં મધ્યસ્થ ખંડમાં સમાજશ્રેષ્ઠીઓ અને પ્રબુધ્ધ નગરજનોની ઉપસ્થિતીમાં પ્રથમ સ્નેહમિલન યોજાઇ ગયુ.
આ સ્નેહમિલન કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી ખુલ્લો મુકતા કાર્યક્રમનાં અધ્યક્ષ અને શ્રી સરદાર પટેલ
એજ્યુકેશન ફાઉન્ડેશનનાં ચેરમેન શ્રી જે.કે.ઠેશીયાએ જણાવ્યુ હતુ કે સામાજીક પરિવર્તન એ સમાજની દિશાની પ્રગતીનું સુચન છે. સામાજિક દરજ્જા, સામાજિક સંસ્થાઓ વગેરેમાં જોવા મળતા વ્યાપક અને પ્રમાણમાં સ્થાયી ફેરફારોને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. આજે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં સભ્યો સમાજહિતની સમીક્ષા અને આત્મમંથન માટે સમાજશ્રેષ્ઠીઓને સાથે જોડી એકત્રીત થયા એ જ સુચવે છે કે સમાજને સાચી દિશા અને યોગ્ય માર્ગદર્શન મળશે તો આર્થિક અને સામાજીક ઉન્નમુલન અવશ્ય થશે. શ્રી જે કે ઠેસિયા એ વધુમાં જણાવ્યું હતું કે નોકરી કરતા કરતા પણ સમાજની સેવા કરી શકાય છે. સમાજ ઉપયોગી અભિગમ રાખી નોકરી કરવી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના અંત્યોદય સુધી પહોંચતો કરવો એ પણ એક ખરી સેવા છે, નવી શિક્ષણનીતિને અપનાવવાનો અભિગમ દાખવતા ઉમેર્યું કે આજે માહિતી અને તકનીકી નો યુગ આવ્યો છે પ્રત્યેક વાલીએ પોતાના બાળકને ઢાંચાગત અભ્યાસ કરાવવાને બદલે આવનારા સમયની જરૂરિયાતોને સમજીને ટેકનોલોજી આધારિત જ્ઞાન નું અભ્યાસમાં જોડાણ કરે આવુ શિક્ષણ પ્રાપ્ત યુવાનને રોજગારીની તકો મેળવવામાં ઉપયોગી થાય છે, આજ ની દીકરીઓએ ઘણું બધું સમજવાની જરૂર છે આજે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ હાંસલ કરે છે પણ સાથે સાથે ખેતીથી વિમુક્ત વિચારને પણ સહજ રીતે સ્વીકારી લે છે જે આપણી ખેતી સાથેની ઓળખ ગુમાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, ખેડુતોએ કમાણીને યોગ્ય રીતે વાપરી અને સમાજ હિતની સાથે કુટુંબનો પણ આર્થિક ઉન્નતિ થાય તે દિશામાં હવે વિચારવાની તક ઊભી કરવી જોઈએ કર્મચારી મંડળના યુવાનોને સૂચન કરતાં શ્રી ઠેસિયા એ જણાવ્યું કે અલગ-અલગ સમિતિઓની રચના રચના કરી સમાજને કેમ ઉપયોગી થઇ શકાય તે દિશામાં વિચારવું જોઈએ. સહકારી શરાફી મંડળી બનાવી અને ગરીબ અંત્યોદય કુટુંબોની નાણાની જરૂરિયાતોમા કેમ ઉપયોગી થઇ શકે તે પ્રમાણે આયોજન કરી શકાય, દર મહિને પ્રબુદ્ધ નાગરિકોનું એક સંમેલન યોજી અને ચિંતન કરી અને સમાજ હિતની ખેવના કરવા માટે આગળ આવી શકાય, આમ ઠેશિયાએ સમાજને આર્થિક અને સામાજિક ઉન્નતિ ના દ્વાર સુધી લઈ જવા માટે વિધ્યાત્મક સૂચનો કર્યા હતા
આ પ્રસંગે અગ્રણી કેળવણીકાર નાનજીભાઇ વેકરીયાએ જણાવ્યુ હતુ કે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, અને તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. જુદાં જુદાં સમાજમાં પરિવર્તનના કારણો જુદાં જુદાં હોઈ શકે છે અને એ મુજબ તે સમાજની ગતિ અને દિશા નક્કી થાય છે; પણ પરિવર્તન વગરનો કોઈ સમાજ જોવા મળતો નથી. સમાજના લોકો પણ પરિવર્તન ઈચ્છતા હોય છે, આથી કેટલાક કિસાઓમાં આયોજિત પ્રયાસો દ્વારા પરિવર્તન લાવવામાં આવે છે. આજે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં સભ્યોનો સરાહનીય પ્રયાસ આગામી દિવસોમાં સમાજને સાચી દિશા દર્શન માટે ઉપયોગી બની રહેશે.
અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સવજીભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે અનુભવી શિક્ષિત વ્યક્તિનું માર્ગદર્શન લઈ રોજગાર લક્ષી શિક્ષણ મેળવીને જો માવતર પોતાનાં સંતાનોને રચરૂચિ મુજબ નો અભ્યાસ અને ગોલ નક્કી કરે તો જીવન ઘડતરની દિશામાં થતો અભ્યાસ ઉપયોગી બને છે. કમાયેલા ધનને ચોક્કસ મેનેજમેન્ટ કરવું જોઇએ. લોહીના સંબંધોની દરકાર કરવી અને સંતાનોને નિડર બનાવવા જોઈએ અગ્રણી બિલ્ડર શ્રી જયંતીભાઈ વઘાસિયા એ સામાજિક સુરક્ષા બાબતે વિચારવા અને પાટીદાર સુરક્ષા સંઘ ની રચના કરી સમાજના શોષિત પીડિત પરિવારો ની કેમ મદદ કરી શકાય તે દિશામાં સૌએ મંથન કરવાની જરૂર છે એમ જણાવ્યુ હતુ.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના અધિક્ષક ઇજનેરશ્રી પી.પી વોરાએ રાજ્ય સરકારની ખેડુત હીતાની યોજનાઓની વિગતો આપી જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે, ખેડૂતોના ખેતર સુધી જરૂરિયાત મુજબ વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ વિભાગ દ્વારા કામ થઈ રહ્યા છે ત્યારે સરકારની આર્થિક ઉદારીકરણ નો લાભ લઇ અને ખેતીવાડીમાં કેમ વધુ સારૂ ઉત્પાદન લઈ શકાય તે દિશામાં વિચારવાની જરૂર છે. અગ્રણી સ્ત્રીરોગ નિષ્ણાત ડો. અતુલ ઠેશીયાએ જણાવ્યું હતું કે આજે ખાનપાન અને રહન-સહનની પરત્વે દૂર્લક્ષતાને કારણે રોગોનું પ્રમાણ વધતું ચાલ્યું છે ત્યારે ગર્ભસંસ્કાર બાબતોમાં સમજણ હાંસલ કરવા અને માનસિક રોગના પ્રમાણમાં થતો વધારો ચિંતા અને મનનો વિષય આવી ચૂક્યો છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ કોલેજ ના આચાર્યશ્રી ડો. કુમન ખુંટે પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટી દ્વારા થતાં વિવિધ સંશોધનો સુધારેલા બિયારણ, મિશ્રપાકોના વાવેતરથી થતા ફાયદાઓ અને રાસાયણિક ખાતર અને દવાઓ ના કરકસર પૂર્ણ ઉપયોગ અને જૈવિક ખેતીથી થતા લાભો વિષયે ઉપસ્થિત સમુદાયને માર્ગદર્શન આપ્યું હતું શ્રી કુમનભાઇ ખુંટે વિશેષમાં ઉમેર્યું કે આજે ગામડા ભાંગતા જાય છે અને શહેરો વધતા જાય છે ત્યારે ખેતી પરત્વે ખેડૂતો પણ વિમુખ થતા જાય છે એ ચિંતાનો વિષય છે, આજે વૈશ્વિક સંસ્થાઓ અને વૈશ્વિક ઔદ્યોગિક ગૃહો કૃષિ ક્ષેત્રે પોતાનું પદાર્પણ કરી રહી છે ત્યારે આવનાર દિવસ ખેતીનો રહેશે એ ચોક્કસ છે ત્યારે ખેતીને સાચવવી ખેતીમાં આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરવો અને ઉત્પાદિત માલને કેવી રીતે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા એક્સપોર્ટ કરી શકાય તે દિશામાં હવે સમજવાની જરૂર છે પોતાના ઘરઆંગણે શાકભાજી નુ વાવેતર કરી અને પાયાની જરૂરિયાતો સંતોષી શકાય એ પણ વિચારવાની જરૂર છે

રિલેટેડ ન્યૂઝ