જૂનાગઢના માથાભારે શખ્સ અને બે બુટલેગર પાસા હેઠળ જેલમાં ધકેલાયા

જૂનાગઢ તા. 14
જૂનાગઢના એક માથાભારે તથા બે દારૂના બૂટલેગરો સહિત ત્રણ શખ્સોને પાસા ધારા તળે વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ભૂતકાળમાં ખુનની કોશિશ, ધાડ, અપહરણ, હથિયાર ધારા, ધમકી, પોલીસ ઉપર હુમલો, ફરજમાં રૂકાવટ, એટ્રીસીટી, વિગેરે જેવા કુલ 16 થી 17 ગુનાઓમાં સંડોવાયેલ અને તાજેતરમાં ધાડના ગુનામાં સંડોવાયેલ જૂનાગઢનાં દોલતપરા ખાતે રહેતા સાંગા કારાભાઈ ગોજીયા (ઉવ. 32) તથા ભૂતકાળમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના માતબર રકમના મુદામાલના કુલ 4 થી 5 ગુનાઓમાં સંડોવાયેલ જૂનાગઢ શહેરના કસ્તુરબા સોસાયટી, દોલતપરા ખાતે રહેતા આરોપી ભરત ભૂરાભાઈ ઓડેદરા (ઉવ. 32) તેમજ શહેરમાં ગાંધીગ્રામ ખાતે રહેતા અરજણ ઉર્ફે બીડી પરબતભાઇ કરમટા (ઉવ.30) કે, જે ભૂતકાળમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના માતબર રકમના મુદામાલના જેતપુર, જુનાગઢ સહિતના પોલીસ સ્ટેશનમાં કુલ ચાર થી પાંચ ગુનાઓ તેમજ મારામારીના બે થી ત્રણ ગુન્હાઓ સહિત કુલ સાત આઠ ગુન્હાઓમાં સંડોવાયેલ આંતર જિલ્લા આરોપી હોય, આ ત્રણેય વિરુદ્ધમાં ભૂતકાળમાં અટકાયતી પગલાં લેવામાં આવેલ હતા. તેમ છતાં, આ શખ્સો દ્વારા ગુન્હાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હતું.
આથી જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન ઇચા. પોલીસ ઇન્સપેકટર જે.પી.ગોસાઈએ બન્ને શખ્સો વિરૂધ્ધ પાસા ધારા હેઠળ દરખાસ્ત તૈયાર કરી, જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ મારફતે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારઘી સમક્ષ મોકલી આપતા, જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા ધારા મુજબ વોરંટ ઈસ્યુ કરવામાં આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. આર.સી.કાનામીયા તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, એક જ રાતમાં ત્રણ આરોપીઓને રાઉન્ડ અપ કરી, સાંગા કારાભાઈ ગોજીયા તથા ભરત ભૂરાભાઈ ઓડેદરાને સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે તથા અરજણ ઉર્ફે બીડી પરબતભાઇ કરમટાને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપવા આવેલ હતા.

રિલેટેડ ન્યૂઝ