જૂનાગઢ મીનીકુંભ મેળા માટે એસ.ટી. દ્વારા 40 બસો દોડાવશે

જૂનાગઢ તા.14
ભજન-ભોજન અને ભક્તિના સંગમસ્થાન સમા ભવનાથનાં મહાશીવરાત્રીના મેળામાં 10 લાખથી વધુ લોકો આવવાની સંભાવના છે. મેળામાં આવનાર શ્રદ્ધાળુઓના પરિવહન માટે એસ. ટી.નિગમ દ્વારા સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો સતાધાર, પરબધામ, સોમનાથ ઉપરાંત મોટા શહેરો અમદાવાદ વડોદરા, ભાવનગર, ભુજ, અમરેલી, સાવરકુંડલા સહિતના સ્થળોને આવરી લઈ વધારાની 250 બસ દોડાવાશે તેમ જૂનાગઢ એસ. ટી. ના વિભાગીય નિયામક ગૌરાંગ શાહે જણાવ્યું હતું ઉપરાંત જૂનાગઢ શહેર તથા બહારથી આવતા લોકોને ભવનાથ મેળામાં જવા તા.17/02/2020 થી રાઉન્ડ ધ ક્લોક 40 મીની બસ કાર્યરત કરવામાં આવશે. તે માટે એસ.ટી. ડેપો જૂનાગઢ ખાતે ખાસ હંગામી એકસ્ટ્રા બુથનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જરૂર જણાએ ટ્રાફિકને પહોંચી વળવા વધારાની 100 બસ મુસાફર જનતાની સેવામાં મૂકવામાં આવશે.
મેળામાં મુસાફરોની સુવિધા માટે એસ. ટી. નિગમના ડ્રાઈવર, કંડકટર સહિત 800 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. તેમજ મેળા માટે મુસાફરોને ઓન લાઇન બુકિંગની 24 કલાક સુવિધા બે કાઉન્ટર પર આપવામાં આવે છે, તેમ શાહે વધુમાં જણાવ્યું હતું.
ઉલેખનીય છે કે, મહાશીવરાત્રી લોક મેળામાં દર વર્ષે 10 લાખથી વધુ લોકો ભજન-ભોજન અને ભક્તિનું ભાથું બાંધવા મેળામાં આવે છે. આ 10 લાખ લોકો પૈકી 5 થી 6 લાખ લોકોના પરિવહનની આવન-જાવનની એસ. ટી.નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ