વંથલીનાં ના.મામલતદાર અને ધારાશાસ્ત્રી લાંચ લેતા ઝડપાયા

જુનાગઢ તા.28
વંથલીના નાયબ મામલતદાર તથા શાપુરના એક ધારાશાસ્ત્રી રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ જતા વંથલી પંથકમાં આ પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે એસીબીએ કરેલા આ સફળ દરોડાથી અન્ય કચેરીઓના કર્મીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. તો બીજી બાજુ એસીબી દ્વારા પકડાયેલા બન્ને શખ્સોની રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ
ધરાઇ છે.
જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં કોઈપણ દાખલા મેળવવા માટે લાંચ મંગાતી હોવાની અને લેવાતી હોવાની એસીબી ને મળેલ બાતમીના આધારે એસીબીએ આજે એક નક્કી અરજદાર ઉભો કરી દાખલો મેળવવાની તજવીજ હાથ ધરતા, વંથલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર નિલેશભાઈ જીવનભાઈ કાલાવડિયા (ઉંવ.48) ની સંમતિથી સાપુર ગામના અને વકીલાત કરતા મુકુંદભાઈ બાબુભાઈ શર્માએ એસીબીએ મોકલેલ અરજદાર પાસેથી રૂપિયા પાંચ હજારની નોટો લઈ નાયબ મામલતદાર નિલેશ કાલાવાદિયા ના ટેબલના ખાનામાં રૂ. 5 હજાર મૂકતા એસીબીએ બંને શખ્સોને રંગેહાથે ઝડપી પાડી, અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે આજે જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનમાં વંથલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (સુપર) નિલેશભાઈ જીવનભાઈ કાલાવડિયા તથા વકીલ મુકુંદભાઈ બાબુભાઈ શર્મા (ઉંવ. 40) સામે રૂપિયા પ હજારની લાંચ લેવા બદલનો ગુનો દાખલ થવા પામ્યો હતો અને પકડાયેલા બંને શખ્સોની પૂછપરછ જારી કરવામાં આવી છે તથા બન્ને શખ્સોની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢના વંથલી ખાતે નાયબ મામલતદાર રૂપિયા પ હજારની લાંચ લેતા ઝડપાઇ જતા સમગ્ર જૂનાગઢ જિલ્લાની કચેરીઓના કર્મચારીગણમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ