મોરબીના ગીડચમાં રૂા. 2.35 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

મોરબી તા. 5
તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે ગીડચ ગામની સીમમાંથી 1680 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી છે. દારૂનો આ જથ્થો બાવળની વાડમાં છુપાવીને બન્ને શખ્સો કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે પૂર્વ બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા.
તાલુકા પોલીસ મથકના દિનેશભાઇ બાવળીયા તથા દિલીપભાઈ ગેડાણીને મળેલી પૂર્વ બાતમીને આધારે ગીડચ ગામની સીમમાં ડુંગરપુર જવાના રસ્તે હનુમાનજીના મંદિર પાસે તપાસ કરતા સ્વીફ્ટ કાર નંબર ૠઉં3 ઊછ 1548માં બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસે આ બન્નેની પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ સરનામાં જણાવ્યા હતા. જે મુજબ રઘુ રાણા ઇન્દરીયા ઉં.વ. 23 અને વિષ્ણુ રાણા ઇન્દરીયા ઉં.વ.28 રહે.બન્ને ડુંગરપુર તા.હળવદ હોવાનું જાણમાં આવ્યું હતું.
બન્ને શખ્સોની પૂછપરછમાં નજીકમાં રહેલી બાવળની કાંટમાંથી તેઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની 1680 બોટલ કિંમત રૂ. 2,35,200 કાઢી આપી હતી. આથી પોલીસે દારૂના જથ્થા સાથે કાર એક મોબાઈલ સહિતના કુલ મુદ્દામાલ કિંમત રૂ. 7,35,700 કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ