મોરબીમાં લોકડાઉન વચ્ચે ચક્કાજામની સ્થિતિ

(પ્રતિનિધિ દ્વારા) મોરબી,તા.3
મોરબીમાં લોકડાઉન દરમિયાન માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા સિવાય બહાર ન નીકળવાની સ્પષ્ટ મનાઈ હોવા છતાં આજે લોકડાઉનના દશમાં દિવસે સવારે લોકોની ભીડ રસ્તા ઉપર ઉમટી પડી હતી. રૂટિન દિવસ હોય તેમ રસ્તાઓ પર વાહનોની કતારો
લાગી હતી. લોકો કોઈને કોઈ બહાના હેઠળ બહાર નીકળતા હોવાથી લોકડાઉન જ ન હોય તેવો માહોલ સર્જાતા પોલીસ પણ થોડી વાર ધંધે લાગી હતી.
મોરબીમાં લોકડાઉન હોવા છતાં રૂટિન દિવસ હોય તેમ રસ્તાઓ ઉપર લોકો અને વાહનોની ભીડ જોવા મળી હતી. જેમાં ખાસ કરીને સામાકાંઠે નટરાજ ફાટકથી મયુર પુલ અને ગેસ્ટહાઉસ રોડ થઈને પરાબજાર, નહેરુગેટ ચોક સુધી વાહનો સામાન્ય દિવસો જેવી અવરજવર જોવા મળી હતી. જો કે રેશનિંગનો જથ્થો લેવા માટે લોકો કરતા ફોરવહીલ ગાડીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. મોરબીમાં જાણે લોકડાઉન જ ના હોય તેવી સ્થિતિ થોડીવાર જોવા મળતા પોલીસની કામગીરી સામે લોકોના મનમાં સવાલો ઉઠ્યા હતા. કારણ કે સવારે અમુક માર્ગો પર તો સામાન્ય દિવસો જેટલો જ ટ્રાફિક જોવા મળી રહ્યો હતો. જેથી, પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું અને પોલીસે કડક કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરવા અને ભીડ દૂર કરવાની કામગીરી કરી સ્થિતિ હળવી કરી હતી. જો કે લોકો પણ કોઈને કોઈ બહાના હેઠળ સવારે મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં લોકડાઉનનું કડક પાલન અત્યંત જરૂરી છે. અને મોરબીના દરેક નાગરિકની ફરજ છે કે તેઓ આ સ્થિતિમાં પૂરતો સાથ સહકાર આપી લોકડાઉનનો અમલ કરે.

રિલેટેડ ન્યૂઝ