આજથી રાજકોટ જિલ્લામાં કોરોનાની સહાયની ચુકવણી કરવામાં આવશે

રાજકોટ તા.25
રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુને ભેટેલા પરિવારજનોને રૂા.50,000ની સહાયની જાહેરાત કરવામાં આવ્યા બાદ આવતીકાલથી રાજકોટ શહેર-જિલ્લામાં સહાયનું ચુકવણું શરૂ કરી દેવામાં આવનાર છે તેમ આજે જિલ્લા કલેકટરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. દરમિયાન આજથી શહેરની ત્રણેય મામલતદાર કચેરીમાં કોરોનાના ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવતાં ત્રણેય મામલતદાર કચેરીમાં ફોર્મ લેવા અરજદારોનો ભારે ધસારો થયો છે. જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જિલ્લામાં બે દિવસમાં 422 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જેની ચકાસણી ત્રણેય મામલતદાર કચેરીમાં ચાલી રહી છે. તેમાંથી 200 જેટલા લાભાર્થીઓને ડોક્યુમેન્ટની ચકાસણી કરી લેવામાં આવ્યા બાદ આ તમામ લાભાર્થીઓને આવતીકાલથી ઓનલાઈન ખાતામાં રૂા.50,000 જમા કરી દેવામાં આવનાર છે.
જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અન્ય જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં સારવાર લેવા આવેલા દર્દીઓનું રાજકોટમાં મોત થયું હોય તેના ફોર્મ પણ રાજકોટની કલેકટર કચેરીમાં આવીને ડિઝાસ્ટર શાખામાં સ્વીકારવામાં આવી રહ્યા છે અને આ ફોર્મ જે-તે જિલ્લામાં મોકલી આપવામાં આવશે.
કોરોનાના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂા.50,000ની સહાય રાજય સરકાર દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેમાં મહેસુલ વિભાગ દ્વારા સુધારા કરવામાં આવ્યા છે. આ સહાય મેળવવા ઇચ્છતા રાજકોટના નાગરિકોએ ફિષસજ્ઞિ.ં લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષની વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી દસ્તાવેજો સાથે શહેરી વીસ્તારમાં મામલતદાર કચેરી પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ તેમજ તાલુકા કક્ષાએ સબંધિત તાલુકા મામલતદાર કચેરીમાં સંપૂર્ણ વિગતો સાથે ભરેલું ફોર્મ રજૂ કરવાનું રહેશે.

રસીકરણ માટે ફરી મેગા કેમ્પ, 8 દિ’માં 50,000ને રસી અપાશે
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, કોરોના રસીકરણ માટે રાજકોટ જિલ્લામાં ફરી મેગા કેમ્પ કરવામાં આવનાર છે અને 8 દિવસમાં 50,000થી વધુ લોકોને રસી આપવાનો ટાર્ગેટ નકકી કરવામાં આવ્યો છે. આ માટે સંબંધિત વિભાગો સાથે બેઠક યોજવામાં આવી રહી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આવતીકાલથી જ મેગા કેમ્પનો પ્રારંભ થઈ જશે. તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાએ મોટાપાયે કેમ્પ કરી લોકોને રસી આપી દેવામાં આવશે. તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતાં મજૂર પરિવારો માટે પણ ખાસ કેમ્પ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં પ્રથમ ડોઝની કામગીરી સંભવત: પૂરી થઈ ચૂકી છે અને બીજા ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે. તેમાં ઝડપ થાય તે માટે ગ્રામ્ય કક્ષાએ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ધોરાજી પંથકમાં રસીકરણ ઓછુ હતું તેમાં કલેકટરે કેમ્પ કરીને લઘુમતી સમાજના લોકોને સમજાવતાં આ પંથકમાં રસીકરણ વધ્યું છે. મસ્જિદ, દરગાહ અને ધર્મગુરૂને સાથે રાખીને લોકોને સમજાવતાં રસીકરણ વધ્યું છે.

રિલેટેડ ન્યૂઝ