પોતાના બાળકની માતા એવી પ્રેમિકાની હત્યા કરતો પ્રેમી

રાજકોટમાં રહેતી યુવતિની રીબડા નજીકથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ હત્યારાને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ

પોતાના બાળકની માતા એવી પ્રેમિકાની હત્યા કરતો પ્રેમી
(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.25
રાજકોટની ભાગોળે ગોંડલ હાઈ-વે પર રીબડા નજીકથી ઈજાગ્રસ્ત હાલતમાં યુવતિની લાશ મળી આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં યુવતીની તેના પતિએ જ હત્યા નિપજાવી મોતને ઘાટ ઉતારી હોવાનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે. કોઠારીયા સોલવન્ઠમાં પટેલ યુવાન સાથે રહેતી યુવતિને કોઈ કારણસર તેના પતિ સાથે ઝઘડો થતાં તેને પતાવી દઈ લાશ ફેંકી દીધાનું ખુલતા પોલીસે આરોપી પતિને સકંજામાં લઈ પુછપરછ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ ગોંડલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ-ગોંડલ હાઈ-વે પર રીબડા ગામ નજીક રોડની સાઈડમાં ખાડામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.જે.પરમાર, ધર્મેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતિ આશરે 25 વર્ષની હોવાનું અને તેના માથા તથા મોઢાના ભાગે ઈજાના નિશાન હોય જેથી હત્યાની શંકાએ મૃતદેહને પ્રથમ ગોંડલ બાદ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હતી.
પોલીસ તપાસમાં મૃતક યુવતીના પેટના ભાગે સિઝેરીયનથી ડિલેવરી થયેલા અને ઓપરેશનના ચેકાના નિશાન હોય જેથી યુવતી પરિણીત હોવાનું ખૂલ્યું હતું. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન મોડી સાંજે મૃતક યુવતીની ઓળખ મળતાં તેણી કોઠારીયા સોલવન્ટમાં મહમદીબાગમાં રહેતી સાજેદા ફિરોઝભાઇ સમા (ઉ.વ.20) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે મૃતક સાજેદાના માતા સબાનાબેન ફિરોઝભાઇ સમાને પોલીસ સ્ટેશને બોલાવી તેનું નિવેદન લેતાં તેણે જણાવ્યું હતું કે, તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે જેમાં સાજેદા સૌથી મોટી હતી. તેના પતિનું ચાર વર્ષ પહેલા કેન્સરની બિમારીથી અવસાન થયું છે. સાજેદાની વાંકાનેર સગાઈ કરેલી હતી. દરમિયાન ત્રણેક વર્ષ અગાઉ સાજેદા પાર્લર સિખવા જતી હતી અને મોડી રાત્રે આવતી હોવાથી માતાએ જવાની ના પાડી હતી. દરમિયાન તેણીને ત્રણ મહિનાનો ગર્ભ રહી જતાં સબાનાબેને તેને પૂછતાં આ બાળક સંદિપનું હોવાનું તેણીએ જણાવેલ અને તેની સાથે જ જતી રહેવાનું પણ જણાવ્યું હતું. ત્યારબાદ સાજેદા સંદિપ પટેલ સાથે જતી રહી હતી. ત્યારથી તેઓને કોઈ વ્યવહાર નહીં હોવાનું નિવેદનમાં જણાવ્યું હતું.
બીજી તરફ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તપાસ દરમિયાન ચોકકસ બાતમીના આધારે સાજેદાના પતિ સંદિપ પટેલને સકંજામાં લઈ પૂછપરછ કરતાં તેણે જ પત્ની સાજેદાની હત્યા નિપજાવ્યાની કબૂલાત આપી હતી. પોલીસે હત્યા શા માટે નિપજાવી તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે. ગોંડલ તાલુકા પોલીસે હત્યારા પતિ સામે ગુનો નોંધવા તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ