હવે લોજ, ગેસ્ટ હાઉસને વેરા માફી નહીં

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.25
કોરોનાકાળ દરમ્યાન વેપાર-ધંધા બંધ રહેતા સરકારે અમુક ધંધાર્થીઓને મિલ્કત વેરામાં 1 વર્ષની માફી આપવાની જાહેરાત કરી પરીપત્ર મનપાને પહોંચાડતા મામલો બીચકયો છે. કારણ કે પરીપત્રમાં હોટલ, રીસોર્ટ, રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘર, મલ્ટીપ્લેકસ અને જીમ્નેશિયમનો ઉલ્લેખ કરેલ હોય ગેસ્ટ હાઉસ અને લોજવાળાને માફી નહીં મળે તેવું ચિત્ર બહાર આવતા દેકારો બોલી ગયો છે.
મહાનગરપાલીકાના વેરા વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ મિલ્કત વેરામાં 1 વર્ષની માફી આપવાનો સરકારનો પરીપત્ર આવતા તેમાં દર્શાવવામાં આવેલ હોટલ, રીસોર્ટ, રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘર, મલ્ટીપ્લેકસ અને જીમ્નેશિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ રાજકોટ શહેરમાં અનેક લોજ તેમજ ગેસ્ટ હાઉસ ધમધમતા હોવાથી આ લોકોને વેરામાફી કેમ આપવી તેવો પ્રશ્ર્ન ઉભો થયો છે. જ્યારે અનેક પરોઠા હાઉસના નામથી ચાલતા એકમોને પણ વેરામાફી આપવાનો પ્રશ્ર્ન ઉભો થયો છે. આથી હવે સ્ટેન્ડીંગ કમીટીમાં કોકળું ઉકેલવા દરખાસ્ત રજૂ કરી તેમની સુચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમજ જરૂરત પડયે લોજ, ગેસ્ટહાઉસ અને પરોઠા હાઉસ સહિતના એકમો માટે રાજ્ય સરકારમાં ફરી વખત દરખાસ્ત રજૂ કરી તેમની સુચના મુજબ મિલ્કત વેરામાં માફી આપવામાં આવશે. આમ સરકારની ભુલના કારણે અનેક ખાણીપીણીના ધંધાર્થીઓને મિલ્કત વેરામાં માફીનો લાભ મળી શકશે નહીં અથવા રાજ્ય સરકાર ફરી વખત વિચારણા કરશે તો તેઓને લાભ મળવાપાત્ર છે.

રિલેટેડ ન્યૂઝ