રાજકોટના હલેન્ડા નજીકથી 1680 બોટલ દારૂ ભરેલા આઈસર સાથે બેલડી ઝડપાઇ

વિદેશી દારૂના કટિંગ ટાણે જ ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાટકી; મુદ્દામાલ જપ્ત

જન્માષ્ટમીના તહેવાર પૂર્વે બુટલેગરો સજ્જ થયા છે ત્યારે બુટલેગરો ઉપર પોલીસે વોચ રાખી દારૂનું નેટવર્ક તોડી પાડવા પોલીસ પણ સજ્જ થઈ છે. ત્યારે રાજકોટની ભાગોળે હલેન્ડા ગામની સીમમાં દારૂનું કટીંગ થવાનું હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી 60થી 70 પેટી વિદેશી દારૂ ભરેલું આઈસર પકડી પાડયું હતું. આઈસરના ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસને જોઈને આઈસરના ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા આઈસર કાદવમાં ખુપી ગયું હતું. પોલીસે બે શખ્સોને સકંજામાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. શહેરના ભાગોળે હલેન્ડા ગામની સીમમાં દારૂનો જથ્થો કટીંગ થવાનો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ચૌહાણ, રાજેશભાઈ જડુ અને કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગરને મળી હતી. જે બાતમીના આધારે પીએસઆઈ વી.ડી. ડોડિયા પોતાની ટીમ સાથે હલેન્ડા ગામની સીમમાં પહોંચ્યા ત્યારે જીજે 3 બીવાય 3349 નંબરનું આઈસર પોલીસને જોઈ ભાગવા જતાં કાદવમાં આઈસર ખુપી ગયું હતું. કાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતા આઈસરના ચોરખાનામાં છુપાવેલ આશરે 60થી 70 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા સાથે આઈસર ચાલક સહિત બે શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરાઈ છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી ભરત બી બસિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈએમ.આર.ગોંડલિયા અને પીએસઆઈ વી.ડી. ડોડિયા અને તેમની ટીમે આ દારૂના દરોડામાં કામગીરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ