સ્ટેનોગ્રાફરની સુવિધા પણ છિનવાશે: આજની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં દરખાસ્ત
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની આવતીકાલે યોજાનાર બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રજુ થયેલી એક દરખાસ્તે જાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. મહાનગરપાલિકાના ચુંટાયેલી પાંખના બે સૌથી મોટા હોદ્દેદારોની સુવિધા પાછી ખેંચવાની આ દરખાસ્તથી અધિકારી વર્ગમાં પણ અંદર ખાને ચર્ચા જાગી છે. આવતીકાલે યોજાનાર સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં નવી ભરતીના નિયમોની દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેમાં પી.એ.ટુ મેયર, પી.એ.ટુ સ્ટેન્ડીંગ ચેરમેન અને સ્ટેનોગ્રાફર ટુ મેયરની જગ્યા નાબૂદ કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. કોર્પોરેશનમાં મેયર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનના પી.એ.ની જગ્યાએ પી.એસ. (પર્સનલ સેક્રેટરી)ની એક જ જગ્યા રાખવા દરખાસ્તમાં સુચવાયું છે. આ માટે અધિકારીને વહીવટી વિભાગનો ચાર વર્ષનો અનુભવ નિયત કરવામાં આવેલ છે.
સામાન્ય રીતે મેયર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનના પી.એ. (પર્સનલ આસીસ્ટન્ટ)ની જગ્યા ઉપર જે તે પાર્ટીના કાર્યકરોની નિમણૂંક કરવામાં આવતી હોય છે અને તેને માનદ વેતન મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવતું હોય છે. મહાનગરપાલિકાના મેયર અને સંગઠન વચ્ચે આ પી.એ. એક સેતુરૂપ કામગીરી કરતાં હોય છે. પરંતુ રાજકોટમાં મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનના પી.એ.ની જગ્યા નાબૂદ કરવા દરખાસ્ત કરવામાં આવી છે. આવતીકાલની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં આ દરખાસ્ત મંજુર થાય છે કે કેમ ? તે તરફ સૌની નજર મંડાયેલ છે. રાજકોટમાં હાલમાં સર્જાયેલ રાજકીય પરીસ્થિતિ વચ્ચે આ દરખાસ્ત રજુ થતાં ભાજપમાં પણ આંતરીક ગણગણાટ શરૂ થયો હોવાનું જણાવાય છે. જો કે કોર્પોરેશનના સુત્રોનું કહેવું છે કે હાલ રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનના પી.એ.ની જગ્યા વર્ષોથી ખાલી છે તેથી આ જગ્યા નાબૂદ કરવાથી હાલ કોઈ ફરક પડી શકે તેમ નથી.
આ દરખાસ્ત સિવાય અધિકારીઓની નિમણૂંકમાં અનુભવ વધારવા-ઘટાડવા અંગેની દરખાસ્ત પણ કરવામાં આવી છે. જે મુજબ સેક્રેટરીની નિમણુંક માટે અગાઉ સાત વર્ષનો વહીવટી અનુભવ જરૂરી હતો તે હવે વધારીને 10 વર્ષ કરવા જણાવાયું છે. જ્યારે ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા માટે સાત વર્ષની જગ્યાએ આઠ વર્ષનો અનુભવ કરવા દરખાસ્તમાં સુચવાયું છે. આ ઉપરાંત આસીસ્ટન્ટ સેક્રેટરીની ભરતીમાં પાંચ વર્ષનો અનુભવ ઘટાડી ચાર વર્ષનો કરવા સુચવાયું છે.