રાજકોટમાં એનએસયુઆઈના નેતાને પોલીસે ગાળો ભાંડી માર મારતા બબાલ

પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારાનો વિરોધ કરવો મોંઘો પડયો; ઘોડા ઉપરથી ખેંચી પછાડયા

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
યાજ્ઞિક રોડ ઉપર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરનાર એનએસયુઆઈના રાજદિપસિંહ જાડેજાની પોલીસે જાહેરનામા ભંગ હેઠળ અટકાયત કરી ગુનો નોંધ્યો છે. એસીપી (ક્રાઈમ) એચ.એલ.રાઠોડ, ભક્તિનગરના પી.આઈ. વી.કે.ગઢવી અને પી.એસ.આઈ. પી.બી.જેબલીયાના કાર્યક્ષેત્રમાં યાજ્ઞિક રોડ ન આવતો હોવા છતાં પોલીસે એનએસયુઆઈના રાજદિપસિંહની અટકાયત કરી ગુનો નોંધ્યો છે. આમ પોલીસે કિન્નાખોરી રાખીને રાજદિપસિંહને મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ તા.ર9
ઈંધણમાં થયેલા ભાવ વધારાનો કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસને વિરોધ ભારે પડ્યો હોય તેમ આજે એનએસયુઆઈના યુવા નેતાને સરાજાહેર રોડ ઉપર બેફામ ઘુસ્તાવાળી સાથે ગાળાગાળી કરી મારમારતા શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. કાયદો વ્યવસ્થાની જવાબદારી જેના સીરે છે તે પોલીસના ઉચ્ચ અફસરોએ જ કાયદો હાથમાં લઈ કોંગ્રેસના વધુ એક નેતાને ‘ટીંચી’ નાંખતા પોલીસની દાદાગીરીનો કિસ્સો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
શહેરના ‘નાક’ ગણાતા યાજ્ઞિક રોડ ઉપર આજે સવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે એનએસયુઆઈના પૂર્વ પ્રમુખ અને યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય રાજદિપસિંહ જાડેજા ઘોડા ઉપર બેસી વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ કાફોલ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રાજદિપસિંહને ઘોડા ઉપરથી પછાડી પોલીસવાનમાં બેસાડી ઘુસ્તાવાળી કરી હતી. મામલાને ઠંડો પાળવા વોર્ડ નં.9ના કોંગ્રેસના આગેવાન હિરજીભાઈને પણ પોલીસે ધકકે ચડાવ્યા હતા.
છેલ્લા ર1 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં 15 રૂપિયાનો કટકે કટકે ભાવ વધારો થયો છે. જેના કારણે મોંઘવારીનો બોમ્બ ફાટ્યો છે. જીવન જરૂરી ચીજવસ્તુના તમામ ભાવમાં તગડો વધારો થયો છે. ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી સાથે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાયકલ અને ઘોડા સાથે વિરોધ પ્રદર્શન કરવાનું એલાન આપવામાં આવ્યું હતું. આ માટે કોંગે્રેસે પોલીસ તંત્ર પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ પોલીસે મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો.
છતાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકડાઉન દરમિયાન ખેડૂત નેતા પાલ આંબલીયા સહિતના ત્રણ સભ્યોએ કલેકટરને આવેદન આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને બેફામ મારમાર્યો હતો. આ બનાવની હજી શાહી સુકાઈ નથી ત્યાં એનએસયુઆઈના યુવા નેતા પોલીસનો બીજો ટાર્ગેટ બન્યા હતા.
યાજ્ઞિક રોડ ઉપર એનએસયુઆઈના યુવા નેતા ઘોડા ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને રાજદિપસિંહને ઘોડા ઉપરથી ખેંચીને નીચે પછાડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ બેફામ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી અને રાજદિપસિંહની અટકાયત કરી પોલીસ જીપમાં બળજબરીથી બેસાડી દઈને તમાચાવાળી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ