રાજકોટ કલેકટર રેમ્યા મોહનની અમદાવાદ બદલીની જોરશોરથી ચર્ચા

જામનગર-સુરેન્દ્રનગર, સુરત સહિતના કલેકટરો બદલાશે

રાજકોટ તા.ર9
રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહનની અમદાવાદ કલેકટર તરીકે બદલી થતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. અમદાવાદ કલેકટર તરીકે રેમ્યા મોહન હોટ ફેવરીટ છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરે તેવા નિર્દેશ મળી રહ્યા છે. આગામી બે-ત્રણ દિવસમાં જ આઈએએસ, આઈપીએસની બદલીનો ઘાણવો નિકળે તેવી શકયતા છે.
રાજકોટ સહિત 17 જિલ્લા કલેકટરોની બદલી તોળાઈ રહી છે. જેમાં જામનગર, સુરેન્દ્રનગર, રાજપીપળા, તાપી, સુરત સહિતના જીલ્લા કલેકટરોનો સમાવેશ થાય છે. જામનગર, સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરોનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહયો છે. આથી બન્ને કલેકટરોની બદલી થવાની શકયતા છે. સુરેન્દ્રનગરના કલેકટર કે.રાજેશ પણ અમદાવાદ કલેકટરની રેસમાં છે.
રાજકોટ કલેકટર રેમ્યા મોહને હજુ 1 વર્ષ જેટલો જ સમય થયો છે. પરંતુ તેની કામની પધ્ધતિ અને સુઝબુઝના કારણે તેઓ રાજ્ય સરકારની ગૂડ બૂકમાં સ્થાન ધરાવે છે. એટલું જ નહિં, રેમ્યા મોહને લોકડાઉનમાં રાજકોટમાં કરેલી શ્રેષ્ઠ કામગીરીની ગાંધીનગરમાં નોંધ લેવામાં આવી છે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં કલેકટર તરીકેની ઉત્તમ કામગીરી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા ટોચના અધિકારીની નિકટ ગણાતા રેમ્યા મોહને અમદાવાદ કલેકટર તરીકે જવાબદારી સોંપવાની તૈયારી સરકારે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ કલેકટર તરીકે ફરજ બજાવતા કે.કે.નિરાલાને બઢતી આપી સચિવ બનાવવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં ફરજ બજાવનાર કલેકટરોને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનું પોસ્ટીંગ આપવામાં આવી રહ્યું છે. પૂર્વ કલેકટર ડો.રાહુલ ગુપ્તાને ઉદ્યોગ કમિશ્ર્નર બનાવાયા છે. તે પહેલાના કલેકટર ડો.વિક્રાંત પાંંડેને અમદાવાદ કલેકટર બનાવવામાં આવ્યા હતા. હવે રેમ્યા મોહનને અમદાવાદ કલેકટર તરીકે નિમણૂંક આપવાની શકયતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અમદાવાદ કલેકટર તરીકે બે અધિકારીઓ વચ્ચે તિવ્ર હરિફાઈ છે જેમાં સૌપ્રથમ રાજકોટ કલેકટર રેમ્યા મોહન હોટફેવરીટ છે. જ્યારે બીજા ક્રમે સુરેન્દ્રનગરના કલેકટર કે.રાજેશનો સમાવેશ થાય છે. આ બન્ને અધિકારીઓ મુળ કેરળના વતની છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં હવાલો સંભાળતા ટોચના કેરળના અધિકારીના નજીકના ગણાય રહ્યા છે. આથી બન્ને અધિકારીમાંથી અમદાવાદ કલેકટર તરીકે કોની પસંદગી કરવામાં આવે તેની અટકળો તેજ બની છે.
સ્થાનિક સ્વરાજની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરનાર છે. આઈએએસ અધિકારી ઉપરાંત પોલીસ બેડામાં પણ જબરા ફેરફાર થનાર છે. આગામી બે-ત્રણ દિવસમાં જ રાજ્ય સરકાર દ્વારા સનદી અધિકારીઓની મોટાપાયે બદલી કરે તેવા અણસાર મળી રહ્યા છે. બદલીને લઈને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓમાં ભારે ચર્ચા જાગી છે.

રિલેટેડ ન્યૂઝ