આજથી રાજકોટમાં 5000 ચાની હોટલો બંધ

રાજકોટ તા.10
રાજકોટમાં કોરોના જેટની ગતિએ વધતો જાય છે. રોજ ઢગલો કેસ ચોપડે નોંધાય છે અને દર્દીઓ હોસ્પિટલમાં દાખલ અને શંકાસ્પદોને કોરોન્ટાઈન કરવામાં આવે છે. કોરોનાને કાબૂમાં લેવા જીલ્લા કલેકટર, કોર્પોરેશન, પોલીસ, જીલ્લા આરોગ્ય વિભાગ, હોસ્પિટલ તંત્ર એમ તમામ ડીપાર્ટમેન્ટો દિવસ-રાત મથી રહ્યાં છે. લોકડાઉન-1 બાદ હાલ લોકડાઉન-ર કેટલીયે છૂટછાટ સાથે અમલી છે. આમ છતાં, લોકો પણ સમજતાં નથી અને ચાની લારી-ગલ્લા અને હોટલો વાળા પણ ઘણી જગ્યાએ તકેદારી રાખતા નથી. પરિણામે કોરોનાના કેસ વધવાની સંભાવના વધી જાય છે. અનેકવાર ચેતવણીઓ, સમજાવટ આપી હોવા છતાં પણ ચા-પાનની લારીએ દૂકાનોએ લોકો ભેગા થાય છે. દૂકાનવાળાઓ કે હોટલવાળાઓનું પણ લોકો માનતા નથી અને ટોળા વળે છે. જેના સંદર્ભે રાજકોટમાં કોર્પોરેશન તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે હોટલો ઉપર લોકોના ટોળા એકઠા થયા હોય ત્યાં હોટલ માલિકને દંડ કરવામાં આવે છે. તેમજ વધુ જરૂર પડે તો હોટલને સીલ પણ મારવામાં આવે છે. દરમિયાન રાજકોટ ટી એસોસિએશને કોર્પોરેશન તંત્ર દ્વારા પરેશાની કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને આવતીકાલથી ત્રણ દિવસ સુધી (શનિ, રવિ અને સોમ) સ્વૈચ્છીક બંધનો નિર્ણય કર્યો છે. આ અંગે રાજકોટ ટી એસોસીએશનના જણવ્યા પ્રમાણે, કોરોનાના સંદર્ભે કલેકટર તંત્ર, કોર્પોરેશન તંત્ર અને પોલીસ સાથે છે અને રહેશે કોરોના ન ફેલાય તે માટેની પૂરતી તકેદારી અને ઉપરોકત વિભાગો દ્વારા જે સુચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવામાં આવે છે અને આવશે. ચાની લારીઓ-હોટલો ઉપર ગ્રાહકોને એકઠા ન થવા લેખિત અને મૌખિક સુચનાઓ આપવામાં આવે છે.. આ માટેના બોર્ડ પણ લારી-હોટલો ઉપર લગાવવામાં આવેલ છે. સાથોસાથ દરેક સ્ટાફને પણ ખાસ સુચના ચોખ્ખાઈ રાખવાની આપવામાં આવે છે.
ટી એસોસીએશનના રઘુભાઈ ભુવાએ આક્ષેપ કર્યો છે કે, વહીવટી તંત્રની તમામ સુચનાનો અમલ કરવામાં આવે છે. આમ છતાં, તંત્ર દ્વારા યેન-કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે અને દંડ કરવામાં આવે છે. તેમજ હોટલોને સીલ કરવામાં આવે છે. આથી રાજકોટ ટી એસોસીએશને આવતીકાલથી ત્રણ દિવસ ચાની લારી-હોટલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ટી એસોસીએશનના વધુમાં જણાવ્યા પ્રમાણે, ચાની એક હોટલમાં 5થી ર0 માણસો કામ કરતા હોય છે. જેને સરેરાશ ગણીએ તો 50 હજાર ચાની હોટલમાં કામ કરતાં મજુરો બેકાર થશે. તેમજ 5000 દૂધની ડેરીના સંચાલકો-માલધારીઓ તેમજ કોલસાના 2000 જેટલા વેપારીઓ, ચા-પાનના 1000 જેટલા વેપારીઓ, દૂધ માટેના 500 જેટલા વાહનવાળાઓ પણ નવરા થશે કે વેપાર ધંધો ઓછો થશે. આમ, 50,000થી વધુ લોકોના 5રિવારને ત્યાં ખાવાના સાંસા પડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 14 હોટલોને અને આજે શુક્રવારે બપોર સુધીમાં 17 હોટલોને સિલ મારવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ