રાજકોટમાં કોરોનાથી વધુ 21 દર્દીઓના મોત

રોયલ પાર્ક ઉપાશ્રયના મહાસતીજી સહીત શહેર-જિલ્લામાં વધુ 135 પોઝિટિવ કેસ નોંધાયા

વોર્ડ નંબર 16ના કોંગી નગરસેવકનું કોરોનાથી મોત
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના વોર્ડ અંબાર 16ના કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરાને પણ કોરોના પોઝિટિવ આવતા એક સપ્તાહ પૂર્વે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ આજે સાંજે કોરોના સામેની જંગમાં હારી જતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે સાથી નગરસેવકો અને કોંગ્રેસે એક કર્મઠ સાથી ગુમાવ્યાનો શોક વ્યક્ત કર્યો હતો.

રાજકોટ તા.21
રાજકોટમાં કાતિલ બનતો કોરોના વાયરસનો અજગર છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓને ભરખી ગયો છે જયારે બપોર સુધીમાં રાજકોટમાં વધુ 41 અને સાંજે વધુ 52 સહીત શહેરમાં કુલ 93 અને જિલ્લામાં નવા 42 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે શહેરમાં કુલ આંક વધીને 5222 સુધી પહોંચી ગયો છે રાજકોટ રોયલ પાર્ક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન ગોંડલના પ્રભાબાઈ મહાસતીજીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જૈન સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી મોતના કેસ વધી રહ્યા છે તેનાથી ફફડાટ વધી ગયો છે. જો કે તંત્ર તો અન્ય બીમારીથી જ મોતમાં ખપાવવાનો પ્રયાસ કરે છે.શહેરમાં બેકાબૂ બનીને પ્રસરતા કોરોનાને કાબૂમાં લેવામા આરોગ્ય તંત્ર અને સરકાર માઇકાંગલા પુરવાર થઇ રહ્યા છે.દરમિયાન સતાવાર રીતે જાહેર થયેલા હેલ્થ બુલેટિન મુજબ 24 કલાકમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ વધુ 21 દર્દીના મોત થયા છે. અગાઉ મૃતકોમાં રાજકોટ શહેરના કેટલા, રાજકોટ જિલ્લાના કેટલા અને અન્ય જિલ્લાના કેટલા તે માહિતી પણ આપવામાં આવતી હતી પરંતુ હવે આંકડાકીય માહિતી આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત રાજકોટમાં બપોરના 12 વાગ્યા સુધીમાં વધુ 41 પોઝિટિવ કેસ નોંધાયા હતા જયારે સાંજે વધુ 52 પોઝિટિવ કેસ નોંધાયા છે આ પ્રાંત જિલ્લામાં વધુ 42 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક વધીને 2544 ઉપર પહોંચી ગયો છે રાજકોટ શહેરમાં કુલ કેસનો આંકડો વધીને 5222 સુધી પહોંચી ગયો છે જયારે આજે 124 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે હાલ 995 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે આજે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન ગોંડલના પ્રભાબાઈ મહાસતીજીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા જૈન સમાજમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ