શહેરની સરકારી જમીનમાં 40 હજાર બાંધકામોના નવ જોડાણ કપાશે: વેરા બીલ પણ રદ્દ થશે

65 હજાર સંપ નળ કનેકશનનું લિંકઅપ વેરા બિલમાં કરવાની તૈયારી
રાજકોટ: રાજકોટ શહેરમાં દરેક મિલકત ધારકના વેરા બિલમાં પાણી વેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ વર્ષો પહેલા એપાર્ટમેન્ટ અથવા સંસ્થાઓના નામે લેવામાં આવેલ સંપ નળ કનેકશનોનું આજ સુધી વેરા બીલમાં લીંકઅપ ન થતા અંદાજે 65 હજાર થી વધુ સંપ નળ જોડાણોના વર્ષોથી કરોડો રૂપિયાનો પાણી વેરો અટકી પડ્યો છે. પરીણામે ટુંક સમયમાં આ પ્રકારના નળ જોડાણોનું વેરા બીલમાં લીંકઅપ કર્યા બાદ પઠાણી ઉઘરાણી કરાશે. રાજકોટ શહેરમાં આવેલ અસંખ્ય બહુમાળી ઇમારતો તેમજ ટ્રસ્ટની ઓફીસો તથા અન્ય સરકારી મિલકતોમાં વર્ષો પહેલા નળ જોડાણો લેવામાં આવ્યા છે. મનપા દ્વારા કારપેટ એરીયા આધારીત વેરા પધ્ધતી અમલમાં મૂક્યા બાદ દરેક નળ જોડાણનું વેરા બીલમાં લીંકઅપ કરવામાં આવ્યું છે.

ઈરાજકોટ તા,23
રાજકોટ શહેરમાં હાલમાં અનેક સરકારી જમીનો ઉપર ઝુપડપટ્ટીઓ ખડકાયેલી જોવા મળી રહી છે. આ ઝુપડપટ્ટીમાં લોકો દ્વારા પાકા મકાનો બનાવી મનપાના વેરા વિભાગ દ્વારા આકરણી કરાવી વેરો ભરવામાં આવી રહ્યો છે તેમજ વેરા બીલના આધારે નળ કનેકશનો પણ લઇ લેવાયા છે. વેરા વિભાગના જણાવ્યા મુજબ અંદાજે 40 હજાર આ પ્રકારના બાંધકામોમાં નળ કનેક્શનો લેવાઈ ગયેલ હોય સરકારી જમીન ઉપર લેવાયેલા આ પ્રકારના તમામ નળ જોડાણો રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ આ પ્રકારના બાંધકામોનો વેરો ભરપાઈ થયેલ હશે તો પણ બાંધકામો દૂર કરાશે.મનપાના વેરા વિભાગના જણાવ્યા મુજબ સરકારી જમીનો ઉપર વર્ષોથી ઝુપડપટ્ટીઓ ખડકાઈ ગઇ છે અને મોટાભાગની ઝુપડપટ્ટીમાં લોકોએ પાકા બાંધકામો કર્યા બાદ લાઈટ કનેકશન લઇ તેના આધારે વેરા વિભાગમાં અરજી કરી વેરા બીલ મેળવી લઇ વેરો ભર્યા બાદ નળ જોડાણ પણ લઇ લીધેલ છે. જયારે કારપેટ એરીયા આધારીત આકરણી મુજબ નળ જોડાણોનું લીંકઅપ વેરા બીલમાં ફરજીયાત કરવામાં આવ્યું છે. પરંતુ 2019માં કમિશ્નર દ્વારા પરીપત્ર જાહેર કરવામાં આવેલ જે મુજબ સરકારી જમીન ઉપર બાંધવામાં આવેલ મકાનો તેમજ અન્ય બાંધકામોનો વેરો ન લેવામાં આવે તેમજ આ પ્રકારના બાંધકામો ગેરકાયદેસર હોય નળ જોડાણ આપવામાં ન આવે અન્યથા નળ જોડાણો હોય તો રદ કરવામાં આવે તેમ જણાવવામાં આવેલ. પરંતુ ત્યારબાદ કોઇ જાતની કાર્યવાહી આગળ ન વધતા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 40 હજારથી વધુ પાકા બાંધકામો સરકારી જમીન ઉપર હૈયાત છે જે પૈકી મોટાભાગના બાંધકામોનો વેરો પણ ભરપાઈ થઇ ચૂક્યો છે. આથી વેરા વિભાગ દ્વારા કમિશ્નરના પરીપત્ર સામે અરજી કરેલ કે સૂચિત બાંધકામોની માફત સરકારી જમીન ઉપર થયેલા બાંધકામોનો મિલકત વેરો લેવાની સત્તા અમને આપવામાં આવે પરંતુ ઉપરોકત અરજીનો આજ સુધી જવાબ આવેલ ન હોય આગામી દિવસોમાં આ પ્રકારના બાંધકામો વિરુધ્ધ સર્વેની કામગીરી હાથ ધરાશે. તેમ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.વેરા વિભાગે વધુમાં જણાવેલ કે સુચીતના મકાનોમાં અગાઉ ઈમ્પેક્ટ ફી ભર્યા બાદ બાંધકામોની માલીકી આસામીઓની થઇ જતી હતી. જેનો લાભ લઇ સરકારી જમીન પરના બાંધકામોની ઈમ્પેક્ટ ફી ભરાઈ ચૂકી છે તે તમામ પ્રકારના બાંધકામોની ઈમ્પેક્ટ ફી પણ અમાન્ય ગણવામાં આવશે તેમજ આ પ્રકારના બાંધકામો પાસે જમીનની માલીકીનો પુરાવો નહીં હોય અને આ જમીન સરકારી હશે તો તેઓ વેરા બીલ રજુ કર્યે પણ જમીનના માલીક થઇ શકશે નહીં.

રિલેટેડ ન્યૂઝ