રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારનાર સામે ગૂનો નોંધવા પરિવારની માંગ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા,24
રાજકોટ સિવિલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીને માર મારતો વિડીયો વાયરલ થયો હતો જયારે તે દર્દીનું મારના કારણે મોત થયાનો પરીવારજનોએ આક્ષેપ કર્યો હતો અને આ અંગે માર મારનાર શખ્સો સામે ગુનો નોંધવા મૃતક દર્દીના પરીવારજનોએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે તથા નિરાધાર પત્ની અને સંતાનો માટે આર્થિક સહાય મેળવવા અરજ કરી છે.
સિવિલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર રહેલા દર્દી પ્રભાકર ભાઇદાસ પાટીલને હોસ્પીટલ અને સિક્યુરીટીના સ્ટાફે માથે ચડી ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો હતો અને માર મારવાની ઘટના બાદ આ દર્દીનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના પડઘા વિધાનસભા સુધી પડ્યા હતા ત્યારે આ અંગે મૃતક પ્રભાકરના પરીવારજનોએ મારના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે મૃતક પ્રભાકરના પત્ની સપના પાટીલે પ્ર.નગર પોલીસ પીઆઈને આવેદન પાઠવી રજુઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેમના પતી એચ.જે. સ્ટીલમાં નોકરી કરતા હતા. તેમને કોઇ જાતની માનસીક બીમારી ન હતી. કોવિડ હોસ્પીટલમાં દાખલ કર્યા બાદ તબીબોનો સંપર્ક કરતા તેમણે દર્દીની સ્થિતિ સારી અને નોર્મલ હોવાનું જણાવ્યું હતું. અને મૃત્યુ થયા બાદ મહારાષ્ટ્રમાં અંતિમવિધિ કરવા ગયા હતા વિડીયો વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટ રીતે તેમના પતિને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધાનું દેખાઈ રહ્યું છે. તેમના પતિ ઉપર ચડી ઢોર માર મારનાર હોસ્પીટલના સ્ટાફ અને સિક્યુરીટી વિરુધ્ધ ગુનો નોંધવા માંગ કરી છે. તથા પતિના મોતથી તેમના બંને સંતાનો નિરાધાર થઇ ગયા હોય ઘરમાં કોઇ કમાવવાવાળુ ન હોય સરકાર આર્થિક સહાય ચુકવી ન્યાય અપાવે તેવી માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ