શહેરમાં ત્રણ સ્થળે મેગા ડિમોલીશન

લ વોર્ડ નં.1,9,10નાં કોર્પોરેશનના પ્લોટ ખાલી કરાવાયા: કિડની હોસ્પિટલ, સતાધાર પાર્ક, રૈયા રોડ વિસ્તારમાં ટીપી શાખાનું ઓપરેશન: કાર્યવાહીથી અફડાતફડી મચી
રાજકોટ તા,17
મનપાના ટાઉનપ્લાનીંગ વિભાગ
દ્વારા વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.1, 9 અને 10માં ડિમોલીશનની કામગીરી કરવામાં આવી હતી.
ત્રણ સ્થળે વર્ષોથી દબાણરૂપ 70થી વધુ કાચા પાકા મકાનો અને ઝુપડાઓ તોડી પાડી મહાનગરપાલીકાની રૂા. 120 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હતી.
ટીપી વિભાગ દ્વારા આજરોજ વહેલી સવારથી ટીપી સ્કીમ નં.16 રૈયા 86-એના વાણિજ્ય વેચાણ હેતુના કિડની હોસ્પીટલ પાછળ આવેલા પ્લોટ ઉપર થયેલ કાચા પાકા મકાનો અને ઝુપડાઓ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. ઉપરોકત સ્થળે 35 કાચા-પાકા મકાન અને 22 ઝુપડાઓ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉપરોકત સ્થળે છેલ્લા 15 વર્ષથી દબાણો થયેલા આથી મનપાના આ પ્લોટ ઉપર એસઈડબલ્યુ હેતુ અંતર્ગત કામગીરી કરવાની હોય દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉપરોકત પ્લોટ ઉપર દબાણો દૂર થતા 4776 અને 2476 ક્ષેત્રફળ જમીન ખુલ્લી થઇ હતી જેનો કબ્જો મનપા દ્વારા લેવામાં આવ્યો હતો.
ટીપી વિભાગ દ્વારા આજરોજ યુનિવર્સિટી રોડ ઉપર 70થી વધુ કાચા-પાકા મકાનો અને ઝુપડાના દબાણો દૂર કર્યા બાદ રૈયા રોડ ઉપર ટીપી સ્કીમ નં. 4, 22ના સતાધાર પાર્ક અને વિક્રમ મારબલની પાસે આવેલા પ્લોટ ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સવન સીગ્નેટના સામેના પ્લોટ ઉપરથી 10 ઝૂપડાના દબાણો દુર કરાયા તેમજ સતાધાર પાર્કમાં એક ઓટાનું બાંધકામ તથા રૈયારોડ ઉપર વિક્રમ મારબલની પાસે આવેલા મનપાના પ્લોટ ઉપર ખડકાયેલા ત્રણ ઝુપડા અને ત્રણ કેબીનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉપરોકત દબાણો દુર થતા મનપાની 4736 તેમજ 1677 ચો.મી. જગ્યા ખુલ્લી થઇ હતી. જેનો કબ્જો મનપા દ્વારા લઇ લેવામાં આવ્યો હતો.
ટાઉન પ્લાનીંગ વિભાગના વેસ્ટ ઝોનમાં મહાનગરપાલીકાના અલગઅલગ હેતુથી રાખવામાં આવેલા પ્લોટ ઉપર વર્ષોથી દબાણો ખડકાઈ ગયા છે જેનું અગાઉથી લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હોય આ પ્રકારના દબાણકારકોને નોટીસ પાઠવવાની શરુઆત કરવામાં આવી છે. નોટીસની સમયમર્યાદા પૂર્ણ થતી હોય આજરોજ ત્રણ સ્થળ ઉપર થયેલા કાચા-પાકા મકાનો અને ઝુપડાના દબાણો દૂર કરવાની કાર્યવાહી વહેલી સવારથી શરુ કરવામાં આવી હતી. ઉપરોકત વિસ્તાર પ્રાઈમ લોકેશનમાં હોવાથી તેમજ મનપાના વાણીજ્ય હેતુના પ્લોટ ઉપર અન્ય પ્રોજેક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની હોય આજે ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આજે વોર્ડ નં.1,9 અને 10માં ડિમોલીશનની કામગીરી હાથ ધરતા અલગ અલગ ત્રણ પ્લોટની 15513 ચો.મી. ક્ષેત્રફળ જમીન ખુલ્લી થઇ હતી. જેની બજારભાવ મુજબ કિંમત 120 કરોડ થવા જાય છે. આજની કામગીરી આસી. ટાઉનપ્લાન અજય એમ. વેગડ, આર.એમ. મકવાણા, એ.જે. પરસાણા, પી.ડી. અઢીયા, જી.ડી. જોશી, એલ.આર. લાલચેતા, આસી. એન્જીનીયર હર્ષલ દોશી, તુષાર લીંબડીયા તેમજ રોશની શાખા, જગ્યારોકાણ શાખા, એસડબલ્યુએમ શાખા, બાંધકામ શાખા, ફાયરબ્રિગેડ શાખા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજીલન્સ ડીવાયએસપી આર.બી. ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ