કોરોનાનાં દર્દીઓના હાઉ દૂર કરી કાઉન્સેલીંગ કરનાર 33 વોરિયર્સનું સન્માન કરાયું

10 હજારથી વધુ લોકોનું મનોવૈજ્ઞાનિક કાઉન્સેલીંગ કરાયું હતું
રાજકોટ તા.17

લોકડાઉનમાં તેમજ કોરોના કાળમાં હેલ્પલાઇનથી લોકોનું ફોનથી મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરીને તેમને માનસિક બળ આપનારા 33 કર્ચમારીઓનું શનિવારે સન્માન કરવામાં આવ્યું હતું. આ કર્મચારીને સન્માનપત્ર આપીને તેમની સેવાઓને બિરદાવવામાં આવી છે.
રાજકોટમાં લોકડાઉનમાં બહાર આવવા-જવાનું અચાનક બંધ થઈ જતાં તેમજ કોરોનાના ડરના કારણે લોકો પરેશાન થયા હતા. કોરોનાનો વાઇરસ લોકોને અસર કરે તેના કરતા તેના કાલ્પનિક ડરથી અનેક લોકો પીડાવા લાગ્યા હતા અને અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ શરૂ થઈ હતી. આથી સરકાર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી.
શરૂઆતમાં રાજકોટમાં કલેક્ટર ઓફિસ ખાતે આ હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયું હતું. બાદમાં તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન ખાતે ખસેડી દેવામાં આવ્યું હતું. જ્યાં લોકોનું સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરવામાં આવતું હતું. આ અંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ડો. જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે 33 કાઉન્સેલર્સનું કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અનુસાર સિવિલ હોસ્પિટલના સાઇકિયાટ્રી વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સંયુક્ત રીતે લોકડાઉનમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરાયું હતું. આ દરમિયાન 10 હજારથી વધુ લોકોનું મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. જેમાં હોમ કોરેન્ટાઇન લોકો, પોઝિટિવ લોકોનું કાઉન્સેલિંગ કરાયું હતું. એ ઉપરાંત કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હેલ્થ વિભાગના કર્મચારીઓ, પોલીસ, રેવન્યૂ ખાતાના કર્મચારીઓ, જિલ્લા પંચાયત તથા અન્ય વિભાગોના કર્મચારીઓને પર ફરજ દરમિયાન અનેક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આથી તેમનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. 33 જેટલા કાઉન્સેલર્સે સવારે નવથી રાતે નવ સુધી 12 કલાક સુધી ડ્યૂટી પર રહીને લોકોને માનસિક હિંમત આપી હતી. ગુજરાતમાં આ પ્રથમ કાઉન્સેલિંગ સેન્ટર હતું અને તેમાંથી ઉદાહરણ લઈને અન્ય જિલ્લામાં પણ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરાયા હતા. રાષ્ટ્રીય સ્તરે પણ આ બાબતની પોઝિટિવ નોંધ લેવામાં આવી હતી.
આ સેન્ટરમાં સાઇકોલોજીના પ્રોફેસર્સ, મનોવિજ્ઞાનમાં પીએચડી થયેલા લોકો, સાઇકિયાટ્રી વિભાગના ડોક્ટર્સ અને સરકારના માન્ય કાઉન્સેલર્સે સેવા આપી હતી. આ તમામ લોકોની સેવાઓને પ્રમાણપત્ર આપી બિરદાવી હતી. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, કાઉન્સેલિંગ સેન્ટરના નોડલ ઓફિસર ડો. જનકસિંહ ગોહેલ, સિવિલના સાઇકિયાટ્રી વિભાગના ડો. મુકેશ પટેલ, સૌરા. યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના
અધ્યક્ષ ડો. યોગેશ જોગસાણા ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ