સમરસના 100 કોરોના વોરિયર્સને એકાએક છુટા કરાતા રોષ

માત્ર 12 હજાર રૂપરડીમાં 8 કલાકના બદલે 12-12 કલાક અને કયારેક 24 કલાક કામ કરનાર રોજમદારોને બાકી
પગાર છતા નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવાતા હોબાળો મચ્યો: રજૂઆત માટે કલેકટર કચેરીએ દોડી ગયા

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.18
રાજકોટના સમરસ કોવિડ સેન્ટરમાંથી 100 રોજમદાર કર્મચારીઓને એજન્સીએ રાતોરાત છૂટા કરી દેતાં હોબાળો મચી ગયો છે. કોવિડના પેશન્ટની સેવા તથા સેન્ટરના કામમાં વ્યવસ્થામાં લાગેલા આ કર્મચારીઓએ પગાર માગતા તેમને કાઢી મુકાયા હતા. અનેક કર્મચારીઓના પુગાર હજુ તો બાકી છે ત્યાં જ તેમને હાંકી કઢાતા તેમનામાં રોષ ફેલાયો હતો. આ તમામ યુવાન કર્મચારીઓ રોષ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે સમૂહમાં દોડી આવ્યા હતા અને કલેક્ટરને રજૂઆતની તૈયારીઓ કરી હતી. તમામ કર્મચારીઓએ કલેક્ટર ઓફિસ સામે ઊભા રહીને એજન્સી સંચાલકે તેમની સાથે કરેલા અન્યાયનો વિરોધ કર્યો હતો.
સમરસ હોસ્ટેલમાં રોજમદાર તરીકે કામ કરતા 40થી 50 જેટલા યુવક-યુવતીઓ શનિવારે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા. આ તમામ યુવાનો સમરસના કોવિડ સેન્ટરમાં મેનપાવરનો કોન્ટ્રાક્ટ રાખનારી ડી.જી. નાકરાણી એજન્સીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા. શુક્રવારે રાતે જ તેમને છૂટા કરી દેવામાં આવ્યા હોવાનું આ કર્મચારીઓએ જણાવ્યું હતું.આ કર્મચારીઓએ રોષ સાથે કહ્યું હતું કે, કોવિડ જેવી વૈશ્વિક મહામારી વચ્ચે પણ તેમણે પોતાના સ્વાસ્થ્યના જોખમે કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી છે. ગત ઓગસ્ટના અંતે તેમને ફરજ પર લેવામાં આવ્યા હતા. જેમાં 145 કર્મચારીઓની કોન્ટ્રાક્ટ ધોરણે ભરતી થઈ હતી.
આ યુવાનોએ જણાવ્યું હતું કે, આઠ કલાકના બદલે તેમને 12-12 કલાકની ડ્યૂટી અપાતી. કોરોનાનું સંક્રમણ વધ્યું હતું ત્યારે તો 24-24 કલાક કામ પણ તેમણે કરેલું છે. તેમને 12 હજાર પગાર આપવાનું નક્કી થયું હતું. આઠ કલાકના બદલે વધુ કલાકો ડ્યૂટી કરવા છતાં ઓવરટાઇમ તો દૂર, તેમને નક્કી કરાયેલો પગાર પણ નિયમિત રીતે મળ્યો નથી.
આ યુવાનોએ જણાવ્યું હતું કે, તેમની ભરતી થયા બાદ 15 જ દિવસમાં તેમના મેનેજર બદલાઈ ગયા હતા. છેલ્લા ઘણાવખતથી આ કર્મચારીઓનો પગાર નહોતો થયો. આથી આર્થિક ભીંસ અનુભવતા આ કર્મચારીઓએ પગાર માગ્યો ત્યારે ગઈકાલે શુક્રવારે 145માંથી 100 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે.
યુવાનોએ કહ્યું કે, પગાર માગવા ગયા ત્યારે એચ.આર. મેનેજરે તેમને સંભળાવી દીધું હતું કે, તમારી કોઈ જરૂર જ નથી. તો અનેક યુવાનો શનિવારે સવારે ડ્યૂટી પર ગયા ત્યારે તેમને કહેવાયું કે, તમારી નોકરી પૂરી. હવે આવવાની જરૂર નથી.
પગાર બાકી હોવા છતાં કોઈ નોટિસ વિના કર્મચારીઓને છૂટા કરાતા તેમના ભારે રોષ ફેલાયો હતો. પગાર આપવાની માગણી પણ એજન્સીના મેનેજરે સાંભળી નહોતી તેમ આ યુવાનોએ જણાવ્યું હતું. આથી રોષે ભરાયેલા વ્યથિત યુવાનો શનિવારે સવારે કલેકટર કચેરી દોડી આવ્યા હતા અને રોષભેર રજૂઆત કરી હતી.
કોરોનામાં ડ્યૂટી કરનારા
યુવાનો પ્રત્યે એજન્સીની
કોઈ સંવેદના નહીં?
સમરસ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું ત્યારે ડી.જી. નાકરાણી એજન્સી દ્વારા જાહેરાત આપી હતી. એ પછી 145 જેટલા કર્મચારીઓની ભરતી થઈ હતી.
કોરોનાના કપરા કાળમાં પણ અહીં આ રોજમદાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ દર્દીઓની સેવા કરી હતી તેમજ અહીંની વ્યવસ્થાઓ સાચવી હતી. કોરોનાના સંવેદનશીલ કાળમાં જોખમી ફરજ બજાવનારા આ કર્મચારીઓ પ્રત્યે એજન્સીએ કોઈ સંવેદના ના દાખવી હોવાનો રોષ તેમણે વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ