રાજકોટમાં ભૂમાફિયા ભૂપત ભરવાડ સામે ગુનો નોંધાવવા એનઆરઆઇ સહિત વધુ ત્રણ ફરીયાદી પોલીસના સંપર્કમાં

ફ્રૂટના ધંધાર્થી ભૂપત પાસે કરોડોની સંપતિ I.T. તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા
ફ્રૂટના ધંધાર્થી ભૂપત ભરવાડના નામે કરોડોની સંપતિ હોવાના દસ્તાવેજો હાથ લાગ્યાનું જાણવા મળે છે. છેલ્લા કેટલાક સમયમાં તેની પાસે આટલી અઢળક સંપતિ કઇ રીતે આવી? એ અંગે ગુપ્ત તપાસ ચાલુ છે. જરૂર જણાયે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી તેની મદદ લેવાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

રાજકોટ તા. 19
શહેરના સામાકાંઠા વિસ્તારમાં પોલીસ,રાજકિય આગેવાનોની ઓથ હેઠળ ભયનું સામ્રાજ્ય ઉભું કરી દેનાર નામચીન ભૂપત ભરવાડ ઉર્ફે ભૂપત વિરમભાઇ બાબૂતરનો બેડી ગામના રમેશભાઇ મોહનભાઇ અજાણીની જમીન હડપ કરવાના ગૂનામાં ક્રાઇમ બ્રાંચે જેલમાંથી કબજો મેળવી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની ભેખડે ભરાયેલા ભૂપત સામે એન.આર.આઇ.ના પ્લોટ હડપ કરવા સહિત વધુ ત્રણેક ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા વધુ ગૂના નોંધાય તેવા સંકેત મળી રહ્યા છે. બેડી ગામે રહેતઅ રમેશભાઇ અજાણીએ ધંધા માટે ફાયનાન્સર રાજુ ગોસ્વામી પાસેથી 2 એકર જમીન ઉપર એક કરોડ વ્યાજે લીધા હતા. નિયમિત વ્યાજ ચૂકવવા છતાં રાજુ ગોસ્વામીએ ઉપરોક્ત જમીન ભૂપત ભરવાડને વેચીને દસ્તાવેજ કરી દીધો હતો. અને ભૂપતે બે એકર ઉપરાંત વધારાની 1 એકર 17 ગૂંઠા જમીન ઉપર કબજો કરી ફાર્મ હાઉસ ખડકી દીધું હતું તેમજ રમેશભાઇ અજાણીએ આ જગ્યા ઉપર પગ મૂકીશ તો મારી નાખીશ તેવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. એસીબી ડી.વી.બસીયા, પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ તપાસ ચલાવી રહેલા પીઆઇ એસ.વી.સાખરાએ ભૂપત ભરવાડનો જેલમાંથી કબજો મેળવ્યા બાદ 7 દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કર્યો હતો. અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પર સોંપાયેલા ભૂપતની પોલીસે બેડીની જમીન સંદર્ભે તેની આકરી પૂછપરછ કરતા તેણે વધારાની 1.17 એકર જમીન હડપ કર્યાની આડકતરી કબૂલાત આપી હતી તેમજ એ જમીન પરત કરી દેવાની પણ તૈયારી દર્શાવ્યાનું ચર્ચાય છે.
ભૂપતે હડપ કરેલી જમીન ફરતે ફોલ્ડીંગ દિવાલ ઉભી કરી ત્યારે પોલીસની સરકારી જીપ સાથે કેટલાક વ્યક્તિઓ હાજર હોવાની તેમજ એ ફાર્મ હાઉસ ભૂપતે એક પોલીસ અધિકારીને ભેટમાં આપ્યાની જોરદાર ચર્ચા છે. જોકે પોલીસ તપાસમાં હજી આવી વિગત બહાર આવી નથી પરંતુ એ જમીન ફરતે દિવાલ કોની પાસે ઉભી કરાવી એ મુદ્દે ભૂપતે મૌન સેવી લેતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. આ કૌભાંડમાં ફાયનાન્સર રાજુ ગોસ્વામી અને તેના ભાઇ સહિતના શખસોની શોધખોળ ચાલુ છે. એ પકડાયા પછી વધુ ચોંકાવનારી વિગતો સામે આવશે.

રિલેટેડ ન્યૂઝ