રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી સભા યોજાઇ : 3888 કરોડનાં વિકાસ કામ થયા : કાનગડ

શહેરનાં 19933 પરિવારને ઘરનાં ઘર, દરરોજ પીવાના પાણીનું વિતરણ : અને સાફ સફાઇની ઉતમ સુવિધા અપાઇ

રાજકોટ તા,19
મહાનગરપાલીકાના અંતિમ જનરલ બોર્ડમાં આજરોજ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડે પાંચ વર્ષનું રીપોર્ટ કાર્ડ રજુ કરી જણાવેલ કે 2015થી 20ના પાંચ વર્ષના શાસનમાં થયેલા કામોનો એક-એક દિવસનો અને કામનો એક-એક પાઈપનો હિસાબ આપ્યો છે. રાજકોટ શહેરને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતુ કરવાની સાથોસાથ 19933 પરીવારોને ઘરના ઘરની ભેટ આપી છે. સૌની યોજના થકી ડેમો છલકાવી ઘરે-ઘરે 365 દિવસ પીવાનું પાણી તેમજ રોડ-રસ્તા, ગટર, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પાંચ વર્ષમાં રૂા.3888.18 કરોડના વિકાસના કામો કર્યા છે.
મહાપાલીકાના ભાજપના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડે પાંચ વર્ષમાં કરેલા કામોની યાદી અને વિકાસના કામોમાં કરવામાં આવેલ પાઈ-પાઈનો હિસાબ આપી જણાવેલ કે શહેરીજનોએ પાંચ વર્ષ પહેલા ભાજપને ખોબલે ખોબલે મત આપી સત્તા ઉપર બેસાડેલ તેનું ઋણ અદા કરી શાસક પક્ષે તેમજ ભાજપની સરકાર દ્વારા 3888.18 કરોડના વિકાસના કામોની પ્રજાજનોને ભેટ આપી છે. ઉદયભાઇએ જણાવેલ કે પાંચ વર્ષમાં ફક્ત નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી કે રસ્તા જેવા પ્રાથમિક સુવિધાઓના કામો જ નહી પરંતુ લાઈબ્રેરીઓ, ઓડીટોરીયમ, સ્વીમીંગ પુલ, નવા અન્ડરબ્રીજ અને ઓવરબ્રીજ જેવા અનેક વિકાસકામો કરવામાં આવ્યા છે. રાજકોટની જનતાએ કરવેરા પેટે ચુકવેલી પાઈ-પાઈનો સદઉપયોગ કર્યો છે એટલું જ નહી વેરાપેટે ચુકવેલી રકમ સવાઈ કરીને પ્રજાજનોને નવી સુવિધાઓની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટના વિકાસની સતત ચિંતા કરી છે અને મોડે માંગ્યું આપ્યું છે અને વરગ માંગ્યે પણ આપ્યું છે.
પાંચ વર્ષના શાસનકાળનો હિસાબ આપતા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે રજુ કરેલા રીપોર્ટ કાર્ડમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રયાસોથી રાજકોટનો પ્રાણીપ્રશ્ર્ન ભુતકાળ બની ગયો છે. આજી, ન્યારી અને ભાદર ડેમ નર્મદા નીરથી છલકાવીને નવો ઈતિહાસ આલેખાયો છે.
દેશના 100 સ્માર્ટસીટીમાં રાજકોટ 39માં છે. દેશના સ્વચ્છ શહેરોમાં રાજકોટનું છઠ્ઠું સ્થાન છે. ટ્રાફિક સમસ્યાને ઉકેલવા ત્રણ અન્ડરબ્રીજ-ઓવરબ્રીજ પ્રોજેક્ટ સાકાર કરાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ શહેરમાં કોઠારીયા, વાવડી, માધાપર, ઘંટેશ્ર્વર, મુંજકા, મનહરુપર-1 અને મોટામવા સહિતના સાત-સાત ગામો ભળ્યા છે છતા વિકાસમાં કોઇ ઓટ આવી નથી ઉલટું તે ગામોમાં વિકાસકામો શરુ થઇ ગયા છે. નકારાત્મક માનસિકતા ધરાવતા વિપક્ષ કોંગ્રેસના મિત્રોએ છેલ્લા પાંચ વર્ષમાં કયારેય એક પણ સામાન્ય સભામાં બૌધિક ચર્ચા કરી નથી કયારેય વિકાસકામોમાં સહકાર આપ્યો નથી. તેમ છતા ભાજપના શાસકોએ કાયમ તેઓને લોકશાહી ઢબે બોલવાની તક આપી છે અને પક્ષાપક્ષી જોયા વિના વિપક્ષના નગરસેવકોના વોર્ડમાં પણ ભેદભાવ વગર વિકાસકામોની વણઝાર સર્જી દીધી છે.
આમ ઉદયભાઇ કાનગડે પોતાના શાસનકાળમાં મંજુર કરેલા રૂા.3888.18નો પાઈ-પાઈનો હિસાબ જનરલ બોર્ડમાં રજુ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ