શહેરમાં કોરોનાના કેસ વધતા મનપાએ ચાની હોટલ-પાનની દૂકાનોને સીલ કરી!

રાજકોટ તા.20
દિવાળીના તહેવારો બાદ રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતાં મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ટેસ્ટીંગની સાથોસાથ લોકો સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરે તે માટે ચેકીંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ચાની હોટલો અને પાનની દૂકાનો ઉપર એકઠા થતાં ટોળાઓને વિખેરવા માટે મહાનગરપાલિકાએ આજથી ચેકીંગ ઝૂંબેશ શરૂ કરી છે. ચાર ચાની હોટલ તેમજ બે પાનની દૂકાનો પર ટોળાઓ એકઠા થયેલ જોવા મળતાં તમામ દૂકાનો સાત દિવસ માટે સિલ કરવામાં આવી હતી. એક સાથે સાત-સાત દિવસ સુધી ધંધો બંધ રહેવાની નોબત આવતા ચાના ધંધાર્થીઓ તેમજ પાનના દૂકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સતત ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. તેમજ બીજીવખત નિયમનું ઉલ્લંઘન કરનાર દૂકાન વધુ સમય માટે સિલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાશે.
આજે તા. 20-11-2020 ને શુક્રવારે મહાનગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું જોવા મળતા કુલ ચાર હોટલ અને બે પાન શોપ આગામી 7 દિવસ માટે સીલ કરેલ છે.લોકો માસ્ક એવી રીતે પહેરે જેથી મ્હો અને નાક બરોબર ઢંકાયેલ રહે. રાજકોટ મહાનગરપાલિકાનો આશય લોકોને દંડિત કરવાનો નહી પરંતુ તેઓ સાવચેતી રાખે અને પોતાના તથા અન્ય લોકોના સ્વાસ્થ્યના હિતમાં વ્યવસ્થિત માસ્ક પહેરે તે જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા લોકોને ખાસ અપીલ કરે છે કે, ઘરની બહાર નીકળવાનું ટાળો, અને બહુ જ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મ્હો અને નાક ઢંકાઈ તે માસ્ક પહેરવું. વારંવાર સાબુથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, પોતે કોરોનાથી બચશે તો અન્ય અને પોતાના પરિવારને કોરોનાથી બચાવી શકાશે.

રિલેટેડ ન્યૂઝ