રાજકોટમાં સતત બીજા દિવસે સજ્જડ રાત્રી કર્ફયુ

કર્ફયુભંગના 86 કેસ, 72 વાહન ડિટેઇન, પોલીસ દ્વારા તમામ માર્ગો ઉપર સઘન ચેકીંગ

દેખાવ પૂરતું માસ્ક પહેર્યુ હશે તો રૂા.200 દંડ
કોરોનાના સંક્રમણને અટકાવવા પોલીસ સાથે મહાનગર પાલિકા તંત્ર પણ જોડાયું છે. ફરજીયાત માસ્કનો અમલ કરાવવાની સુચના હોવાથી માસ્ક ન પહેર્યુ હોય તેને રૂા. 1000 દંડ અને દેખાવ ખાતર માસ્ક પહેરી રાખ્યું હોય (નાક, હોઠથી નીચે) એવા લોકો પાસેથી પણ રૂા. 200 દંડ વસુલવામાં આવશે.

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા. 22
દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઇ ગયોછે. પોઝીટીવ કેસની સંખ્યામાં થઇ રહેલા ચિંતાજનક વધારા પછી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજકોટ શહેર રાજ્યના ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફયુ લાદી દેવાયો છે. રાજકોટમાં કર્ફયુના પ્રથમ દિવસે જ પોલીસે કર્ફયુ ભંગના 86 કેસ નોંધ્યા હતા. તેમજ 72 વાહન ડિટેઇલન કરવાામાં આવ્યા હતા. પોલીસ કમિશ્ર્નર અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રાત્રિ કર્ફયુના અમલ કરાવવા મોડી રાત સુધી પેટ્રોલીંગમાં રહ્યાં હતા. કોરોનાના સંક્રમણનો ફેલાવો અટકાવવા જાહેર કરાયેલા રાત્રિ કર્ફયુના કડક અમલ કરાવવા દરેક પોલીસ અધિકારીને સુચના અપાઇ છે. દરેક નાગરિકોને રાત્રે 9 વાગ્યા પહેલા ઘરે પહોંચી જવા સમાચાર માધ્યમથી સુચિત કરી દેવાયા છે. અનિવાર્ય સંજોગો સિવાય લોકોને ઘરની બહાર નહીં નિકળવા પોલીસ અને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં કર્ફયુના પ્રથમ રાતે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ, સ્ટાફ દ્વારા યાજ્ઞિક રોડ, રેસકોર્સ રીંગ રોડ, કાલાવડ રોડ, 150 ફુટ રીંગ રોડ સહિતના મુખ્ય માર્ગો પર સઘન ચેકીંગ શરૂ કરાયું હતું. રાત્રે 9 વાગ્યા પછી રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો, રાહદારીઓને અટકાવી સઘન પુછપરછ કરવામાં આવી હતી. બિનજરૂરી રીતે બહાર આંટાફેરા કરી રહેલા કુલ 86 વ્યકિત સામે જાહેરનામાં ભંગના કેસ કરવામાં આવ્યા હતા. તેમજ 72 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા ચા-પાનની હોટલો, રેસ્ટોરન્ટ અને મુખ્ય બજારમાં વેપારીઓને સોશીયલ ડિસ્ટન્ટસનું પાલન કરાવવા અને ભીડ ભેગી નહીં કરવા સુચના આપવામાં આવી છે. રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી અગત્યના કામ સિવાય બહાર નિકળનાર સામે કોઇ શહેશરમ વિના કાનુની કાર્યવાહી કરવા સખત સુચના આપી દેવાઇ છે.

રિલેટેડ ન્યૂઝ